(એજન્સી) તા.૧૩
એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે બુધવારે તુર્કીની પોલીસે સેન્ટ્રલ તુર્કીના કોન્યા પ્રાંત ખાતે આઈએસઆઈએસના પાંચ શંકાસ્પદ જેહાદીઓને ઠાર માર્યા હતા. અધિકારીના નિવેદન પ્રમાણે, આ અભિયાન દરમિયાન આતંકીઓ સાથે અથડામણ સર્જાઇ હતી. જેમાં ચાર સિક્યોરિટી દળના સૈનિકો ઘવાયા હતા. જોકે પાંચે આતંકીઓની સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ પાંચે પાસેથી બંદૂક અને અન્ય ઘાતક હથિયારો કબજે કરી લીધા છે. તુર્કીની સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે આ દરોડા ગત વર્ષે ૧પ જુલાઇના રોજ થયેલા હુમલાની યાદગીરી પેટે પાડવામાં આવ્યા હતા. સુરક્ષા દળો સુનિશ્ચિત કરવા માગતા હતા કે આ વખતે તો કોઇ આતંકી ફરી હુમલા કરવાની યોજના નથી બનાવી રહ્યું ને ? જોકે અધિકારીએ તેમના નિવેદનમાં એ સ્પષ્ટપણે જણાવ્યું નથી કે આ પાંચે આતંકીઓ કયા સ્થળે હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે સૂર્યોદય થતાંની સાથે દરોડા પાડવાની શરુઆત કરી હતી, જે મકાનો આઈએસના કેદખાના ગણાતા હતા તેનાથી જ દરોડાની શરુઆત કરી. લગભગ ૧૦થી વધુ સરનામાએ દરોડા પાડવામા આવ્યા. તમને જણાવી દઇએ કે તુર્કીમાં છેલ્લા ૧૮ મહિનામાં આઇએસઆઈએસના આતંકીઓ દ્વારા શ્રેણીબદ્ધ આતંકી હુમલા કરવામાં આવ્યા હતા.
જોકે આ આતંકી હુમલાની જવાબદારી આઇએસે સ્વીકારી પણ હતી. મંગળવારે પણ એક જાહેર થયેલા રિપોર્ટમાં આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે આઈએસઆઇએસના આતંકીઓએ લગભગ ૧૪ જેટલા ઘાતક આતંકી હુમલા કર્યા હતા અને લગભગ ૧૦ જેટલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પણ કર્યા હતા. જોકે એક બોમ્બ હુમલો તથા ત્રણ જેટલા હથિયારો દ્વારા પણ હુમલા કરવામાં આવ્યા હતા. આ દરેક હુમલામાં કુલ ૩૦૪થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં ૧૦ પોલીસકર્મી અને એક સૈનિકનો સમાવેશ થાય છે. નવા વર્ષ દરમિયાન જ તુર્કીના ઇસ્તંબુલ ખાતે જોરદાર આતંકી હુમલો કરાયો હતો જેમાં લગભગ ૩૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે પોલીસે સફળતાપૂર્વક આતંકીને પકડી પાડ્યો હતો. ગત અઠવાડિયે જ રાષ્ટ્રપતિ એર્દોગાને દાવો કર્યો હતો કે તુર્કીએ લગભગ ૩૦૦૦ જેટલા આતંકીઓને ઠાર મારી દીધા છે.