ત્યકતા મહિલાઓને સરકારી નોકરી તથા પરિવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે

કેન્દ્ર સરકારે લોકસભામાં પસાર કરેલા ટ્રિપલ તલાક બિલના વિરોધમાં અમદાવાદમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ દેખાવો કર્યા

આરએસએસના આશીર્વાદથી ભાજપ શાસિત કેન્દ્ર સરકારે લોકસભામાં પસાર કરેલા ટ્રિપલ તલાક બિલને કારણે દેશભરના મુસ્લિમોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. મહિલાઓ પર બળાત્કાર, અત્યાચાર અને શોષણના મામલે આંખ આડા કાન કરનાર અને સ્ત્રી સશકિતકરણની વાતો કરનાર ભાજપ સરકાર મુસ્લિમ મહિલાઓના હામી હોવાનો જે દેખાવ કરી રહી છે તેનાથી મુસ્લિમ મહિલાઓમાં સરકાર પ્રત્યે ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે આથી આરએસએસની કે ભાજપની બે પાંચ એજન્ટ મહિલાઓના આધારે બિલના સમર્થનમાં દેખાવો કરનારાને જડબાતોડ જવાબ આપવા રોજેરોજ હજારોની સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ રસ્તા પર ઉતરી આવી ટ્રિપલ તલાક બિલનો ઉગ્ર વિરોધ દર્શાવી ઈસ્લામી શરિયતમાં પોતાનો વિશ્વાસ દર્શાવી રહી છે. મંગળવારે પણ અમદાવાદના બાપુનગર ગરીબનગર ખાતેની હઝરત હસન શહીદ મસ્જિદ પાસેથી મરકઝી તન્ઝીમે અહલે સુન્નત દ્વારા વુમન પ્રોટેકશન બિલ ર૦૧૭ એટલે કે ટ્રિપલ તલાક બિલના વિરોધમાં મુસ્લિમ મહિલાઓની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી રખિયાલ કલંદરી મસ્જિદ સુધી ગઈ હતી અને ટ્રિપલ તલાક બિલ પાછું ખેંચવા સરકારને માગ કરી હતી. મહિલાઓનો એક જ સૂર હતો કે સરકાર મુસ્લિમ મહિલાઓ પ્રત્યે ખોટી હમદર્દી હોવાનો ડોળ ન કરે, અમને ઈસ્લામી શરિયતમાં સંપૂર્ણ વિશ્વાસ છે. અમારા પ્રાણ ભલે જાય પરંતુ અમે શરિયત વિરુધ્ધ દખલગીરી કદાપી સાંખી લઈશું નહીં. આ રેલીમાં અમદાવાદ શહેર અને શહેર બહારની હજારોની સંખ્યામાં મહિલા આગેવાનો અને ગૃહિણીઓ ઉમટી પડી હતી. રેલીનું નેતૃત્વ મુઈના એજાઝખાન પઠાણ, વસીમાખાન અબ્દુલ કાદીર પઠાણ, કુરૈશી રાબિયા સરફરાઝ અહમદ, કુરેશી હિના, શેખ સઈદા મુહમ્મદ હબીબી, અન્સારી રેશ્મા મુહમ્મદ સિરાજ, પઠાણ નાઝનીનખાન એહતેશામખાન, ભટ્ટી જમીલા નૂરી વગેરેએ લીધું હતું અને અંતે કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

 

 

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૯
ભાજપની કેન્દ્ર સરકારે નોટબંધી, જીએસટી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા મુસ્લિમ શરિયતમાં દખલગીરી કરી વુમન પ્રોટેકશન બિલ ર૦૧૭ લોકસભામાં પસાર કરાવતા જ આ બિલના વિરોધમાં દેશભરના મુસ્લિમોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ આ બિલનો વિરોધ કરવા રસ્તાઓ પર ઉતરી આવી છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. ઉપરાંત મહિલાઓએ સોશ્યલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરી કેન્દ્રની ભાજપ સરકારને કેટલાક પ્રશ્નો કર્યા છે અને જણાવ્યું છે કે જો ભાજપની સરકારને મુસ્લિમ મહિલાઓ પ્રત્યે ખરેખર હમદર્દી હોય અને ટ્રિપલ તલાકના બદલે પુરૂષને ત્રણ વર્ષની જેલની સજાનું બિલ પાસ કરવા માગતી હોય તો એ પહેલા નીચેના મુદ્દાઓ પ્રત્યે ધ્યાન આપે.
• જે મહિલાને તલાક આપવામાં આવી હોય તેને તુરંત જ સરકારી નોકરી આપવામાં આવે.
• તલાક સુદા મહિલાઓને દર મહિને રૂા. ૧પ હજાર ઘરખર્ચ આપે.
• ત્યકતા મુસ્લિમ મહિલાના બાળકોની સ્કૂલ ફી મહિલા અને તેના બાળકોનો મેડીકલ ખર્ચ સરકાર ઉઠાવે.
• તલાક આપેલી મહિલાના બાળકોને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે.
• ત્યકતા મુસ્લિમ મહિલાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરનું ઘર આપવામાં આવે.
• તલાક આપવામાં આવી હોય તેવી મહિલા અને તેના બાળકોને ટ્રેન અને બસમાં મફતમાં મુસાફરી કરવા ખાસ પાસ આપવામાં આવે.
જો આ તમામ સુવિધા ભાજપની સરકાર ત્યકતા મુસ્લિમ મહિલાઓને ન આપી શકતી હોય તો તેના પતિને ત્રણ વર્ષ સુધી જેલમાં નાખી સરકાર મુસ્લિમ મહિલાઓનું કયુ ભલું કરવા માગે છે ? તેવો વેધક પ્રશ્ન પુછવામાં આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks