UAE-ઇઝરાયેલ સમજૂતીની મુસ્લિમ જગતમાંથી ઘોર નિંદા

 

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
યુએઇ અને ઇઝરાયેલે વર્ષો જૂની દુશ્મનનીને ભૂલાવી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. જેનો મુસ્લિમ જગતમાંથી ઘેરો પ્રત્યાઘાત પડ્યા છે. પેલેસ્ટીન ઉપરાંત તૂર્કી, ઇરાન, સહિતના દેશોએ સમજૂતીનો ભારે વિરોધ કર્યો છે. આ સમજૂતીમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે. સમજૂતી બાદ યુએઇ અને ઇઝરાયેલ વચ્ચે નવા રાજદ્વારી સંબંધો શરૂ થશે. આ અંગે મુસ્લિમ દેશોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. પેલેસ્ટીનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ઇઝરાયેલ અને યુએઇ વચ્ચેની સમજૂતીની આકરી ટીકા કરી છે. તેમના પ્રવક્તા નબીલ અબૂ-રૂદિનેહે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પેલેસ્ટીની નેતૃત્વએ આશ્ચર્યજનક ત્રિપક્ષીય યુએઇ અને ઇઝરાયેલ તથા અમેરિકાની ઘોષણાનો અસ્વીકાર કર્યો છે અને તેની ઘોર નિંદા કરે છે. તેમણે કહ્યું કે, જેરૂસલેમ, અલ-અકસા અને પેલેસ્ટીનના લોકો સાથે વિશ્વાસઘાત છે. પેલેસ્ટીનના હમાસ જૂથે આ સંધિની નિંદા કરતા કહ્યું છે કે, આને પેલેસ્ટીનીઓની પીડા સાથે કોઇ લેવા-દેવા નથી અને પેલેસ્ટીનના લોકોની અવગણના કરાઇ છે. યુએઇએ પેલેસ્ટીનના લોકોની પીઠમાં વિશ્વાસઘાતી ઘા કર્યો છે. દરમિયાન પેલેસ્ટીનની પોપ્યુલર રિસિસ્ટન્સ કમિટીએ આ સોદાને પેલેસ્ટીની લોકો વિરૂદ્ધ ગંભીર ષડયંત્ર ગણાવ્યું છે. ઇસ્લામિક જિહાદ ગ્રૂપે તેને આત્મસમર્પણ ગણાવ્યું છે.
યુએઇ અને ઇઝરાયેલ વચ્ચેની સમજૂતીથી મોટાભાગના પેલેસ્ટીનીઓમાં ભય છે કે, તે ૨૦૦૨માં કિંગ અબ્દુલ્લાહ દ્વારા શરૂ કરાયેલી અરબ શાંતિ પહેલને નબળી કરશે. આ પહેલમાં કહેવાયું હતું કે, ઇઝરાયેલ સાથે ત્યારે જ સામાન્ય સંબંધો બંધાય જ્યારે અતિક્રમણ કરાયેલી સંપૂર્ણ અરબ જગતની જમીનો છોડી દે. પેલેસ્ટીની વડાપ્રધાનના પૂર્વ પ્રવક્તા જમાલ દજાનીએ જણાવ્યું કે, યુએઇ દ્વારા પેલેસ્ટીનીઓ દ્વારા વિશ્વાસઘાત કરાયો છે જેઓ પોતાની સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. ઇઝરાયેલની અતિક્રમણની નીતિ પહેલાથી જ ગેરકાયદે છે જેને નેતાન્યાહૂ અને ટ્રમ્પ બંને જાણે છે. ટ્રમ્પ કહે છે કે, બરફની શીલા તૂટી ગઇ છે પરંતુ ખરેખર તો વિશ્વાસ ગુમાવી દીધો છે. દરમિયાન ઇરાને આને ખતરનાક પગલું ગણાવ્યું છે. તેણે ચેતવણી આપી છે કે, આનાથી ઇઝરાયેલી ગેરકાયદે કબજા વિરૂદ્ધ પેલેસ્ટીનીઓનો આક્રોશ વધુ મજબૂત બનશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઇતિહાસ બતાવી દેશે કે, યહૂદી શાસન દ્વારા ઉઠાવાયેલા દરેક પગલાં એક વ્યૂહાત્મક ભૂલ હતી. યુએઇએ પેલેસ્ટીનીઓ જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ જગતની પીઠમાં ખંજર ભોંક્યું છે. આનાથી ઇઝરાયેલ વિરૂદ્ધ ગુસ્સો વધશે અને મજબૂતીમાં વધારો થશે. તૂર્કીએ પણ જણાવ્યું છે કે, યુએઇએ પોતાના હિતોની લાલચમાં ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરીને પેલેસ્ટીનીઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts