યુએઈના વિદેશ મંત્રીએ સિદી સઈદની જાળીવાળી મસ્જિદમાં નમાઝ અદા કરી

અમદાવાદ,તા.ર૭
વિશ્વના હેરીટેજ સ્થળોમાં સ્થાન પામેલ અમદાવાદ શહેર તેના અનેક બેનમૂન સ્થાપત્યોને કારણે વિશ્વભરમાંથી ભારત આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાંય અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં સ્થિત સિદી સઈદની જાળીવાળી મસ્જિદમાં આવેલી જાળીઓ એક જ પથ્થર પર ખૂબ જ બારીકાઈથી કરેલ અદભૂત નકશીકામ માટે વિશ્વ વિખ્યાત છે. જેને અમદાવાદ આવનાર દરેક વિદેશી જોવાનું ચુકતો નથી. હાલમાં સંયુકત અરબ અમિરાતના વિદેશમંત્રી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે સિદી સઈદની મસ્જિદની મુલાકાત લઈ ત્યાં નમાઝ અદા કરી હતી.
ભારતના પ્રવાસે આવેલા સંયુકત અરબ અમિરાતના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લાહ બિન ઝયેદ અલ નાહયાને ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીઆશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. તેમણે ગાંધી આશ્રમની સાથે-સાથે અમદાવાદના લાલદરવાજા સ્થિત સિદી સઈદની જાળીવાળી મસ્જિદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે મસ્જિદના ભીતરમાં આવેલી કોતરણીવાળી જાળીનું અદભૂત નકશીકામ નિહાળ્યું હતું. આ જાળીની કોતરણી જોઈ તેઓ વિસ્મય સાથે અભિભૂત થયા હતા. મસ્જિદનું રૂહાની વાતાવરણ તેમના હૃદયને સ્પર્શી ગયું હતું. તેમણે બે રકાઅત નમાઝ પણ અદા કરી હતી. તેઓ વારંવાર મસ્જિદના અદભૂત સ્થાપત્યને નિહાળતા રહ્યા. જતી વખતે પણ તેમની નજરો મસ્જિદ તરફ જ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સિદી સઈદની જાળીની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ‘શિન્જો આબે’ અને તેમની પત્ની પણ અહીંના બેનમૂન સ્થાપત્યો જોઈ અભિભૂત થઈ ઉઠયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks