National

‘મને આજે મંદિર બનાવવાની તારીખ જોઇએ’ : ઉદ્ધવ ઠાકરે

(એજન્સી) અયોધ્યા, તા. ૨૪
અયોધ્યા પહોંચેલાશિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે વડાપ્રધાન મોદી પાસે જાહેરાત કરવા માગણી કરી હતી કે તેઓ રામ મંદિર બનાવવાની શરૂઆત ક્યારથી કરે છે. તેમણે કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મારો પડકાર છે તેઓ રામ મંદિરની તારીખ જાહેર કરીને બતાવે. પહેલા તો તમે મંદિર ક્યારે બનાવશો તે કહો, બાકીની વાત પછી થશે. ઉદ્ધવ ઠાકરે પોતાની પત્ની રશ્મી અને પુત્ર આદિત્ય સાથે સરયુ નદીના કિનારે યોજાયેલી આરતીમાં સામેલ થયા હતા. આ પ્રસંગે અયોધ્યામાં હજારો શિવસૈનિકો ભેગા થયા હતા. ઉપરાંત રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મોટી ધર્મ સભા આયોજિત કરવામાં આવી છે જેના કારણે અયોધ્યામાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને શહેરને કિલ્લામાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. સ્થિતિને સંભાળવા માટે અર્ધલશ્કરી દળોને પણ બોલાવી લેવામાં આવ્યા છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. શિવસેનાના અધ્યક્ષે કહ્યું, દિવસો, મહિના, વર્ષો અને જમાના પસાર થઇ ગયા. મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે.
૨. શિવસેના પ્રમુખ પૂણેના શિવનેરી કિલ્લામાંથી માટી લઇને આવ્યા હતા જે તેઓ રામ જન્મભૂમિ ખાતેના પંડિતને સુપરત કરશે.
૩. અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેની પ્રથમ મુલાકાત હતી. આ કાર્યક્રમ પહેલા શિવસેનાના નેતાઓ સંજય રાઉત, એકનાથ શિંડે અને રંજન વિચારે તથા મુંબઇના મેયર વિશ્વનાથ મહાદેશ્વર અયોધ્યામાં કેટલાક દિવસથી પ્રચાર કરી રહ્યા હતા.
૪. વર્ષ ૧૯૯૨થી રામ મંદિર માટે માગ કરી રહેલા સંતો અને સમર્થકોના સૌથી મોટા જમાવડા તરીકે વીએચપી રવિવારે એક સંમેલન કરશે. ૧૯૯૨ની છ ડિસેમ્બરે હજારો કટ્ટરવાદીઓએ બાબરી મસ્જિદને શહીદ કરી હતી.
૫. રવિવારની વીએચપીની ધર્મસભામાં બે લાખથી વધુ લોકો એકઠા થાય તેવી સંભાવના છે. વીએચપીએ કહ્યું હતું કે, ધર્મસંસદમાં મંદિરના નિર્માણ માટેની વાત થશે.
૬. ઉત્તરપ્રદેશના પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, અયોધ્યામાં ૩૫ સિનિયર પોલીસ અધિકારી, ૧૬૦ ઇન્સપેક્ટર અને ૭૦૦ કોન્સ્ટેબલો તૈનાત કરાયા છે. પીએસની ૪૨ કંપની અને રેપિડ એક્શનની પાંચ કંપની અને આતંકવાદ નિવારણ ટુકડીને પણ તૈનાત કરાઇ છે.
૭. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરી છે કે, અયોધ્યામાં સ્થિતિને કાબૂમાં લેવા માટે જરૂર પડે તો સેનાને મોકલવી જોઇએ. તેમણે કહ્યું કે, ભાજપ સુપ્રીમ કોર્ટ કે બંધારણને માનતો નથી, આ પાર્ટી કોઇપણ હદ વટાવી શકે છે.
૮. ચૂંટણી માથે છે ત્યારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ભાજપના જ સાથી પક્ષો તથા તેના સભ્યો દ્વારા જ વટહુકમ લાવવા ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં આ અંગે સુનાવણી કરશે.
૯. અયોધ્યામાં મોટી સંખ્યામાં કટ્ટરવાદીઓનો જમાવડો થતા સ્થાનિક મુસ્લિમો ભયભીત બન્યા છે અને હિજરત શરૂ કરી દીધી છે.
૧૦. છેલ્લા કેટલાક દિવસોથી વીએચપીના નેતાઓ સમગ્ર રાજ્યમાંથી લોકોને અયોધ્યામાં લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જેમાં તેઓ રાજ્યભરમાં અભિયાન ચલાવી રહ્યા છે. આવી જ એક રામ-જાનકી બાઇક રેલી દરમિયાન છાકટા બનેલા વીએચપી કાર્યકરો દ્વારા મિરઝાપુરમાં કાંકરીચાળો કરાતા કોમી તંગદિલી છવાઇ હતી.

VHPની ધર્મસભા : અયોધ્યાના મુસ્લિમોને ૧૯૯રના પુનરાવર્તનનો ભય ; સરકારે કહ્યું પુરતી સુરક્ષા છે, અસુરક્ષિત અનુભવવાની જરૂર નથી

(એજન્સી) અયોધ્યા, તા. ૨૪
અયોધ્યામાં રામ મંદિર માટે શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમોને જોતા મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શનિવારે ઉદ્ધવ ઠાકરે અને રવિવારે સંઘની ધર્મસભાને પગલે સમગ્ર અયોધ્યા શહેરને કિલ્લામાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. એવો દાવો કરાયો છે કે, અયોધ્યામાં આશરે બે લાખ લોકો એકઠા થઇ શકે છે. જેમાં એક લાખ આરએસએસ, એક લાખ વીએચપી અને આશરે પાંચ હજાર શિવસેનાના કાર્યકરો એકઠા થશે. વર્ષ ૧૯૯૨માં બાબરી મસ્જિદને શહીદ કરાયા બાદ અયોધ્યામાં આ સૌથી મોટું માનવ મહેરામણ એકઠું થતું હોવાનું કહેવાય છે. જેના કારણે ૧૯૯૨ની જેમ કોઇ અઘટિત ઘટના ના થાય તે માટે ઘણા મહોલ્લાના મુસ્લિમ પરિવારો પોતાના ઘરો છોડીને અન્યત્ર સ્થાનો પર હિજરત કરવા મજબૂર થયા છે. લોકોને ભય છે કે, શિવસેના, સંઘ અને વીએચપીના લોકો જો ૧૯૯૨ જેવું કોઇ પગલું ભરશે તો પોલીસ તંત્ર તેમની સહાયતા કરી શકશે નહીં. લોકોનું કહેવું છે કે, કેટલાય પ્રમાણમાં પોલીસની સંખ્યા હોય તો પણ કોઇ ફાયદો નહીં થાય કારણ કે, ૧૯૯૨માં અમે આનો શિકાર બની ચુક્યા છીએ. બીજી તરફ સરકારે કહ્યું છે કે, મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે અને અયોધ્યાના લોકોને ડરવાની જરૂર નથી. ધર્મસભામાં ભાગ લેવા માટે ઉદ્ધવ ઠાકરે શનિવારે જ અયોધ્યા પહોંચી ગયા હતા જ્યારે રવિવારના કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકો એટલી મોટી સંખ્યામાં પહોંચી ગયા છે કે જેથી અયોધ્યા અને ફૈઝાબાદની તમામ હોટલો પણ ભરાઇ ગઇ છે.
વીએચપી પણ રવિવારે રામ મંદિરના વહેલા નિર્માણ માટે ધર્મ સભા આયોજિત કરે છે. આયોજકોએ આ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લોકોને લાવવા માટે ઘણી ટ્રેનો, બસો, ટ્રોલિઓ, ટેક્સીઓ રાખી છે. પોલીસ સૂત્રો અનુસાર રવિવારે અહીં બે લાખ લોકો એકઠા થવાની સંભાવના છે. કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે સરકારે સ્થાનિક ગુપ્તચર એકમોને એલર્ટ કર્યા છે અને મોટા નેતાઓના આગમન પહેલા ભારે સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કર્યા છે. પોલીસે અયોધ્યાને આઠ ઝોન અને ૧૬ વિસ્તારોમાં વહેંચી દીધું છે. રાજ્યના મુખ્ય સચિવ અનૂપ પાંડે, મુખ્ય સચિવ(ગૃહ) અરવિંદકુમાર અને પોલીસ મહાનિર્દેશક ઓપી સિંહે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરક્ષા સ્થિતિ તપાસી હતી. ડીજીપીએ કહ્યું હતું કે, અહીં કોઇએ ડરવાની જરૂર નથી, અમે સતર્ક છીએ તથા કાયદો વ્યવસ્થાનું પાલન કરવામાં આવશે. અયોધ્યા તથા આસપાસના વિસ્તારોમાં પોલીસ ઝીણવટભરી નજર રાખશે.

અયોધ્યામાં સેના બોલાવવાની અખિલેશની
માગને ભાજપના સાથી પક્ષનું સમર્થન

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે અયોધ્યામાં ધર્મસભાના નામે ભીડ ભેગી કરાતી હોવા સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને જણાવ્યું હતું કે, જરૂર પડે તો સેના બોલાવવી જોઇએ તેવી માગણીને ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી ઓમપ્રકાશ રાજભરે ટેકો આપ્યો છે અને કહ્યું છે કે, સંવેદનશીલ વિસ્તારોમાં કેસરિયા તત્વોનો જમાવડો એ સરકારની નિષ્ફળતા છે. રાજ્યમાં ભાજપ સરકારની હંમેશા ટીકા કરનારા રાજભર પ્રતિબંધિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે ફૈઝાબાદમાં ધારા ૧૪૪ લાગુ છે ત્યારે મુખ્યમંત્રીને ચૂંટણી રેલીઓમાં રસ પડ્યો છે. આનો અર્થ એ થયો કે, વહીવટીતંત્ર નિષ્ફળ ગયું છે અને તેથી અહીં સેના બોલાવવી જોઇએ. આમ કહીને સુહૈલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા રાજભરે અખિલેશ યાદવની માગને સમર્થન આપ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.