(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮
શહેરના તાંદલજા સ્થિત મુઆવીન જનરલ હોસ્પિટલ દ્વારા આજથી દર્દીઓને રાહત દરે એકસ-રે ની સુવિધા મળી રહે તે માટે ડીજીટલ એકસ-રેની સુવિધાનું ડો.પંકજ પાટની ના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. મુઆવીન ચેરીટેબલ ટ્રસ્ટનાં સાદિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુઆવીન ચેરીટેબલ હોસ્પિટલનાં વર્ષ – ૨૦૦૮ થી સાદી એકસ-રે સુવિધાઓ હતી. હોસ્પિટલ દ્વારા દર્દીઓને અતિઆધુનિક સારવાર મળી રહે તે હેતુથી ૭ લાખ રૂપિયાનાં ખર્ચે હોસ્પિટલમાં ડીજીટલ એકસ-રેની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાનું ઉદ્દઘાટન આજે ઓર્થોપેડીક સર્જન તથા મુઆવીન હોસ્પિટલમાં સેવા આપતા ડો. પંકજ પાટનીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે મૌલાના અબ્દુલકુદુસ સાહેબે દુઆ કરાવી હતી. આ ડિજીટલ એકસ-રે સુવિધામાં દર્દીઓને ૪૦૦ રૂા.ના ખર્ચે થતા એકસ-રે માત્ર ૧૫૦ રૂા.માં કરી આપવામાં આવશે તેમ પણ સાદીક પટેલે વધુમાં જણાવ્યું હતું.