(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૪
સુરત શહેરના લિંબાયત વિસ્તારની મદીના મસ્જિદ પાસે રહેતો અને નંદુરબાર ખાતે આવેલ દરગાહના ઉર્સમાં જઇ રહેલા બે યુવાન ઉધના પાસે ચાલુ ટ્રેને ઉતરતા ઉધના આરપીએફના જવાનોેએ બંને મુસાફરોને પકડી ઢોર માર મારતાં જેમાં એક યુવાન શહેરની નિર્મલ હોસ્પિટલ ખાતે ગંભીર હોવાથી અને આ પરિવાર મધ્યમ વર્ગીય હોવાથી તેની સાથે સુર્યા ફાઉન્ડેશનના ઝહુર કુરેશીએ સાથે રહી, માર મારનાર પોલીસ ફરિયાદ આપતા આખરે બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું અને મુખ્ય એવા એએસઆઇને બચાવી રહ્યા હોવાની ચર્ચાઓ જોર પકડી હોવાનું જાણવા મળે છે. ભોગ બનનાર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લિંબાયત વિસ્તારના મદીના મસ્જિદ પાસે રહેતા અને માન દરવાજા ખાતે ચીકનની દુકાન ધરાવતા નઇમ જબ્બાર ખટીક ગત બે ઓક્ટોબરના રોજ નંદુરબાર ખાતે ઉર્સમાં જવા તેના મિત્ર અજીમ અજીજ બાગબાન સાથે સવારે નીકળ્યો હતો અને ઉધના રેલવે સ્ટેશનથી બંને તાપ્તી ગંગા એક્સપ્રેસમાં બેસ્યા હતા. પરંતુ નસીમ સંજોગે બંને છુટા પડી ગયા બાદ ઉધના સ્ટેશન પર જ અજીમને એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ આ ટ્રેનમાં ચાલતી ન હોવાનું જણાવ્યું હોવાથી અજીમ મધ્યમગતિએ ચાલતી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ફોન કરીને નઇમને પણ ઉતરી જવા માટે જણાવ્યું હતું. જેથી ઉધના રેલવે સ્ટેશનથી કજંરવાડની વચ્ચે નઇમ ચાલુ ટ્રેનમાંથી ઉતર્યો હતો. જ્યાં આરપીએફના એએસઆઇ આસીફ અલી, હેડ કોન્સ્ટેબલ હરનાથ ગુજ્જર અને પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્રસિંહ સહિતના સ્ટાફે તેને પકડી લીધો હતો અને બંને યુવાનો જાણે ચોર હોય તેવી રીતે આ ત્રણેય જવાનોએ બંને યુવાનોને ઢોર માર માર્યો હતો. બંને યુવાનો પોલીસના મારથી બચવા માટે યેનકેન પ્રકારે પ્રયત્ન કર્યા છતાએ પોલીસે બંને ઢીકા મુક્કી અને લાકડાંથી માર મારતાં બંને બેભાન થઇ જવા પામ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ નઇમને વધુ સારવાર માટે રિંગરોડની નિર્મલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં જ્યાં તેની હાલત વધુ નાજૂક થતાં અને પરિવાર ગરીબ હોવાથી શહેરની સામાજિક સંસ્થા સુર્યા ફાઉન્ડેશન (સુર્યા ગ્રૃપ)ના પ્રમુખ ઝહુરભાઇ કુરેશીને જાણ થતાં તેઓએ હોસ્પિટલ ધસી જઇ આ બાબતે તપાસ કરતાં જેમાં બંને યુવાનો ખરેખર નિર્દોષ હોવાની જાણ થતાં તેમણે હોસ્પિટલનો ખર્ચ ઉઠાવ્યા સહિત પોલીસવાળા સામે કાયદાકીય રીતે પગલાં ભરવા તજવીજ શરૂ કરી હતી. પોલીસે શરૂ કરેલ તપાસના અંતે પોલીસવાળા દોષિત હોવાનું ફલિત થતાં નઇમ ખટીકને ગંભીર ઇજા પહોંચાડનાર આરપીએફના એએસઆઇ અને હેડ કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ સંદર્ભે સુર્યા ગ્રુપના પ્રમુખ ઝહુરભાઇ કુરેશીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર બંને યુવાનો ખરેખર નિર્દોષ હતા જેણે પોલીસે સાદા ડ્રેસમાં રહી માર માર્યો હતો. બે પોલીસવાળા સસ્પેન્ડ થયા છે. પરંતુ મુખ્ય એવા જીતેન્દ્ર જાટને બચાવી લેવાયા હોવાનું જાણવા મળતા તેઓ આગળ રેલવે પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓને મળી આ અંગે રજૂઆત કરશે, અને તાત્કાલિક ન્યાય મળે તેવી માગણી કરનાર છે તેમજ બંને નિર્દોષ વ્યક્તિને ન્યાય અપાવવામાં મહેનત કરનાર ઝહુરભાઇ કુરેશીના આ કામગીરીને શહેરના મોટાભાગના મહાનુભાવો માજી મેયર ગીતાબેન દેસાઇ, માજી મેયર કદીરભાઇ પીરઝાદા, ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, કોર્પોરેટર રાકેશ માળી, કોર્પોરેટર દર્શનાબેન જરીવાલા, કોંગી કોર્પોરેટર અસલ્મભાઇ સાઈકલવાલા તથા હજ કમિટીના ચેરમેન મો.અલી કાદરી, સેન્ટ્રલ વકફ બોર્ડના અસમાખાન પઠાણ અને ગુજરાત વિધાનસભા દત્તક અજયભાઇ ચોકસી સહિતના આ તમામ મહાનુભાવોએ લોકોના ઉપયોગમાં થતા કાર્યોને બિરદાવી લીધો હતો.