સુરત, તા.ર૪
ઉધના મેઇન રોડ પર ગુરૂદ્વારા પાસે સીટી બસની અડફેટે એક યુવાનનું મોત થતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ ચાર જેટલી બસને નિશાન બનાવી તોડફોડ કરી હતી. જો કે આ પ્રકરણમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ૧૨ જેટલા તોફાની તત્વોની ધરપકડ કરી છે.
ઉધનાના હરીનગર સ્થિત ધર્મયુગ સોસાયટીમાં ગૌતમ મધુસુદન મલેક પોતાના પરિવાર સાથે રહેતો હતો અને લુમ્સ ફેકટરીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શુક્રવારે રાત્રે ગૌતમ ઉધના મેઇન રોડ પરના ગુરૂદ્વારા પાસે પગપાળા રોડ ક્રોસ કરતી વખતે સીટી બસે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે સ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. ત્યારબાદ ટોળાએ ઉશ્કેરાઇ જઇ સીટી બસના ચાલક કરશન રવજીભાઇ પરમારને ઢોર મારમારી ટોળાએ ચાર જેટલી બસોને નિશાન બનાવી તેના ઉપર પથ્થમારો કરી બસને ૧ લાખથી વધુનું નુકશાન પહોંચાડ્યું હતું. જો કે ઘટના અંગેની જાણ થતાં જ ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી આવી ટોળાને વિખેરી નાંખી મામલો થાળે પાડ્યો હતો. બનાવ અંગે ઉધના પોલીસે બસ ચાલકની ફરિયાદના આધારે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બસ પર પથ્થરમારો કરનાર સાહીલ શેખ, રવિ કનોજીયા, વિકાસ રાઠોડ, સુફીયાન અન્સારી, શશીપાલ નાઇ, રવિન્દ્ર સોનવણે, રાહુલ માળી, પંકજ શર્મા અને અન્ય ચાર સગીર વયના આરોપી સહિત ૧૨ની ધરપકડ કરી હતી.