મ્યુનિ.કમિશનરના ઉદ્ધત વર્તનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કચેરીએ ઉગ્ર દેખાવો

અમદાવાદ, તા.૭
અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની સામાન્ય સભામાં ગુજરાતની સંસ્કારિતાને નેવે મૂકી મ્યુનિ. કમિશનર દ્વારા ચૂંટાયેલા સભ્યો સાથે કરાયેલી ગેરવર્તણૂકના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજરોજ મ્યુનિ. કમિશનરના વિરોધમાં મ્યુનિ. કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા અને ચૂંટાયેલા સભ્યોનું અપમાન કરવા બદલ મેયરને આવેદનપત્ર પાઠવી મ્યુનિ. કમિશનર વિરૂદ્ધ રજૂઆત કરી હતી. આજરોજ વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા, શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા તથા કોંગ્રેસ પક્ષના ઉપ નેતા તૌફીકખાન પઠાણ, પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, બદરૂદ્દીન શેખ, કોંગ્રેસ પક્ષના મ્યુનિ. કાઉન્સિલરો તથા શહેર કોંગ્રેસ સમિતિના વિવિધ આગેવાનો સહિતના કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળ દ્વારા મેયરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પો.ના નબળા વહીવટને કારણે હાલ સમગ્ર મ્યુનિ.કોર્પો. કાંડ, કૌભાંડ અને ભ્રષ્ટાચારથી ઘેરાઈ ગઈ છે. ટેક્ષ, એન્જી, હેલ્થ, સોલીડ વેસ્ટ, ટીડીઓ જેવા મહત્ત્વના પ્રજાકીય સુવિધા સાથે સંલગ્ન ડિપાર્ટમેન્ટમાં પ્રજાની પ્રાથમિક સુવિધાની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે તેમજ અમદાવાદ મ્યુનિ.કોર્પો. પરિવહન સેવા માટે જનમાર્ગ લિ. મેડિકલ કોલેજ તથા હોસ્પિટલો માટે ‘‘મેટ’’ મ્યુનિ. મેડિકલ એજ્યુકેશન તથા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પો.લિ. આ તમામ સંસ્થાઓમાં નાણા મ્યુનિ. કોર્પો. ફાળવીને ખર્ચ કરવામાં આવે છે તેનું ઓડિટ પણ ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે તે તમામ સંસ્થાઓના વહીવટ તથા કરેલ કામો બાબતે ચૂંટાયેલા તમામ સભ્યોને જરૂરી બાબતોથી માહિતગાર કરવા જોઈએ. મ્યુનિ. કોર્પો.ના વહીવટી વડા મ્યુનિ. કમિશનર દ્વારા પ્રજાના પરસેવાના નાણાંનો ઉપયોગ યોગ્ય વપરાશ થાય છે કે કેમ ? તે બાબતે વહીવટમાં કોઈ ગેરરીતિ થતી હોય કે વહીવટમાં ઉદાસીનતા સેવવામાં આવતી હોય ત્યારે તે બાબતે જવાબ આપવાની જવાબદારી વહીવટી તંત્રના વડા તરીકે મ્યુનિ. કમિ.ની જ થાય છે પરંતુ ગઈકાલે મળેલ બોર્ડની બેઠકમાં તાકીદના કામ તરીકે આવેલ કામ બાબતે પૂરક માહિતી માંગતા તે માહિતી નહીં જણાવતા મ્યુનિ. કમિશનર દ્વારા બીજી અન્ય બિનજરૂરી માહિતી આપી હતી. જેથી બોર્ડની બેઠક બાદ અમે માહિતી મંંગવાનો પ્રયાસ કરતાં મ્યુનિ. કમિશનરે ચૂંટાયેલા સભ્યો સાથે ઉગ્રતાથી અને ઉદ્ધત વર્તન કરીને જણાવેલ હું માહિતી નહીં આપું. એમ જણાવી ચૂંટાયેલા સભ્યોનું અપમાન કરી ચૂંટાયેલા સભ્યોની માહિતી જાણવાના અધિકાર ઉપર તરાપ મારવાનો પ્રયાસ કરવામાં આવેલ છે તે ચલાવી લેવામાં આવશે નહીં. જીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ ૪પ૭(ર) મેન્યુઅલ-૧, પ્રકરણ-ર અન્વયે જ જનરલ બોર્ડનું કામકાજ ડિસીપ્લીન (ઓર્ડર)થી જ ચાલવું જોઈએ તેવી કોંગ્રેસ પક્ષની લાગણી અને માગણી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks