(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી ૨૮૫ ફુટ સુધી આવી જતાં ચોમાસાના પ્રથમ પંદરથી વીસ દિવસ દરમિયાન ડેમમાં નવી આવક ન થતાં ડેમમાંથી કેનાલમાં છોડવામાં આવતા પાણીના જથ્થામાં કાપ મુકવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પીવાના પાણીની જરૂરીયાત ઉકાઈ ડેમની વિવિધ નહેરોના માધ્યમ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. હાલના તબક્કે ઉકાઈ ડેમમાં પાણીનો સંગ્રહ ખૂબ જ ઓછો હોવાથી કેનાલ દ્વારા છોડવામાં આવતા પાણીના જથ્થામાં કાપ મુકવામાં આવ્યો છે. સુરત શહેરને તાપી નદીમાંથી પાણીનો અકેમાત્ર વિકલ્પ છે. તે ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓ અને નવસારી જિલ્લા માટે કેનાલ નેટવર્ક દ્વારા પાણીની જરૂરીયાત પૂરી પાડવામાં આવે છે. ડેમની સપાટી તળીએ જતાં અને હાલ ચોમાસાના પ્રથમ પંદર વીસ દિવસ દરમિયાન વરસાદ ખેંચાતા ડેમની સપાટીમાં કોઈ વધારો નોંધાયો નથી. ડેમમાં જેટલુ પાણી છે. તેનું હાલ કરકસરથી માત્ર પીવાની જરૂરીયાત માટે ઉપયોગ થઈ રહ્યો છે. ડેમમાં લાઈવ સ્ટોરેજ અને ડેડ સ્ટોરેજની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ઉકાઈ ડેમ ઓથોરિટી દ્વારા કેનાલ માર્ફત ૬૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વિવિધ નહેરો દ્વારા પીવાની જરૂરીયાત માટે છોડાઈ રહ્યું છે. અગાઉ નહેર દ્વારા ૧૨૦૦ ક્યુસેક પામી છોડવામાં આવતું હતું. પરંતુ હાલની પરિસ્થિતિ અને વરસાદ ખેંચાતા છેલ્લા કેટલાક દિવસથી કેનાલ દ્વારા છોડવામાં આવતા પાણી પુરવઠામાં કાપ મુકીને માત્ર ૬૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહેયો છે. જુલાઈ મહિનામાં સારો વરસાદ થાય તો ડેમમાં નવા નીર આવશે. હાલ ઉકાઈની સપાટી ૨૮૫.૧૯ ફુટ છે. ડેમમાં ૬૦૦ ક્યુસેકની આવક અને ૬૦૦ ક્યુસેકની જાવક નહેર માટે થઈ રહી છે.