ઉકાઈ ડેમની સપાટી ૩૪૦ ફૂટ નજીક પહોંચતાં ૧૦ દરવાજા ખોલાયા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ ૩૪૦ ફૂટની નજીક હોવાથી ડેમમાંથી પાણીની આવક કરતા જાવકમાં વધારો કરવામાં આવ્યો છે. એમ.પી-મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરતાં મોડીરાતથી ઉકાઇ ડેમમાંથી ડિસ્ચાર્જ વધારી ૧.૦૮ લાખ ક્યુસેક કરાયું છે. ઉકાઈ ડેમની સપાટી ૩૩૯.૩૦ ફુટ છે. જ્યારે ઈનફ્‌લો ૭૬૩૯૧ ક્યુસેક પાણી છે. અને આઉટફ્‌લો ૧૦૮૦૭૬ ક્યુસેક પાણી છે. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ ૩૪૦ ફુટ નજીક હોવાથી ઈનફ્‌લો કરતા આઉટફ્‌લો વધારી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમની સપાટી ૨૧૧ મીટરે પહોંચી હોવાથી ૭૮,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આગામી બે દિવસ સુધી ઉકાઇના કેચમેન્ટ સાથે મહારાષ્ટ્ર-એમપીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.જેથી પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાથી તંત્ર તકેદારીના ભાગરૂપે રાતે ૯ વાગેથી ઉકાઇ ડેમના ૯ દરવાજા ૪.૬ ફૂટ અને ૧ ગેટ ૫ ફૂટ ખોલીને ૧.૦૮ લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે.
બે વાર તાપી બે કાંઠે થયા પછી શહેરીજનોમાં પૂરનો ભય તોળાઈ રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ખુબ વધારે રહ્યું હોવાથી શહેરીજનો પરેશાન થઈ ઉઠ્યા છે આવા સંજોગોમાં ત્રીજી વાર તાપી બે કાંઠે વહેતી થઈ હોવાથી તટ વિસ્તારમાં રહેતા ગરીબોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત બે મહિનાથી ઘર છોડીને હંગામી ટેન્ટમાં વસવાટ કરી રહેલા ગરીબો પર ગંભીર અસર વર્તાઈ રહી છે. આગામી ૩ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી શહેરીજનોની મુશ્કેલી યથાવત રહેશે એમ હવામાન શાસ્ત્રીઓનું માનવું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks