(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૭
ઉકાઇના ઉપરવાસના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલ તાપી નદીના કેચમેન્ટ એરિયામાં વરસાનો વિરામ યથાવત રહ્યો હતો. જેથી મધ્યપ્રદેશના હથનુર ડેમમાંથી પાણીનો ડિસ્ચાર્જ ઘટાડી દેવાતા ઉકાઈ ડેમમાં આવક ઓછી થઈ છે.આજે ઉકાઇની સપાટી ૩૧૬.૬૫ ફૂટ નોંધાઇ, જ્યારે આવક માત્ર ૧૧,૪૮૮ ક્યુસેક છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત વરસાદનો વિરામ નોંધાયો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલ તાપી નદીના તમામ કેચમેન્ટ એરિયામાં નહીવત વરસાદ થયો છે. હથનુર ડેમમાંથી તાપી નદીમાં ડિસ્ચાર્જ ઘટાડીને ૧૮૦૨૮ ક્યુસેક કરાયો છે. હથનુરની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજે સવારે ૨૧૧.૬૫૦ મીટર નોંધાઈ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટની સામે રૂલ લેવલ આજની તારીખ માટે ૩૩૫ ફુટનું નક્કી કરવામાં આવ્યું છે. આજે સાંજે ચાર કલાકે ઉકાઇની સપાટી ૩૧૬.૬૫ અને આવક ૧૧૪૮૮ ક્યુસેક નોંધાઈ છે.