(એજન્સી) ગુવાહાટી, તા. ૨
આસામના તિનસુકિયામાં ગુરૂવારે સાંજે સશસ્ત્ર ઉગ્રવાદીઓ દ્વારા બંગાળી ભાષા બોલતા પાંચ ગ્રામજનોને ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યા બાદ તનાવ સર્જાયો છે. રાજ્યમાં વિવાદાસ્પદ ૨૦૧૬ના નાગરિકત્વ સુધારા બિલ સામે સમગ્ર આસામમાં ચાલી રહેલા આંદોલન વચ્ચે બંગાળી ભાષા બોલતા પાંચ હિન્દુઓની હત્યાથી રાજ્યમાં વધુ અશાંતિ સર્જાઇ શકે છે. ઉગ્રવાદીઓ દ્વારા મારીનાખવામાં આવેલા બધા બંગાળી હિન્દુઓને શ્યામલાલ બિસ્વાસ, અવિનાશ બિસ્વાસ, અનંતા બિસ્વાસ, ધનંજય નામસુદ્રા અને સુબલ દાસ તરીકે ઓળખી પાડવામાં આવ્યા છે. ઉગ્રવાદીેઓ દ્વારા કરવામાં આવેલી હત્યામાં એકમાત્ર બચેલા સહદેવ નામસુદ્રાએ જણાવ્યું કે મોટરબાઇક પર આવેલા ઉગ્રવાદીઓએ ગ્રામજનોના એક જૂથને તેમની પાછળ ખેરબાડી ગામ ખાતે રાત્રે ૮ વાગ્યાના સુમારે નજીકના સ્થળે આવવાનું કહ્યું હતું. ખેરબાડી ગામ બ્રહ્મપુત્રા નદી પરના ધોલા-સાદિયા બ્રિજથી આશરે ૬ કિલોમીટર દૂર આવેલું છે. ધ્રુજી રહેલા સહદેવે પત્રકારોને જણાવ્યું કે ઉગ્રવાદીઓએ તેમને અમુક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તેમની પાછળ આવવાનું કહ્યું હતું પરંતુ થોડીક મિનિટ ચાલ્યા બાદ ઉગ્રવાદીઓએ અમને લાઇનમાં બેસી જવાનું કહ્યું અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તે વખતે અંધારૂં હતું. હું એક ખાડામાં પડી ગયો અને થોડીક વાર સુધી પડ્યો રહ્યો. ઉગ્રવાદીઓને લાગ્યું કે હું મરી ગયો છું અને તેઓ જતા રહ્યા બાદ હું ત્યાંથી ભાગ્યો હતો. પોલીસને એવી શંકા છે કે આ ઉલ્ફા (ઇન્ડિપેન્ડન્ટ)ના ઉગ્રવાદીઓનું કૃત્ય છે પરંતુ પરેશ બરુઆહના નેતૃત્વવાળા પ્રતિબંધિત સંગઠને શુક્રવારે સવારે આ પાંચ ગ્રામજનોની હત્યામાં તેમની સંડોવણી નકારી કાઢી છે. આ ઘટનાની તપાસ કરનાર પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે બાઇક પર છ ઉગ્રવાદીઓ આવ્યા હતા અને તેઓએ પાંચ ગ્રામજનોની હત્યા કરી છે. આ ઘટના સર્જાયા બાદ સ્થાનિક લોકોએ તેમને સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ નીવડવાનો પોલીસ અને પ્રશાસન સામે આરોપ મુક્યો છે. એક સ્થાનિક સુબિમલ બિસ્વાસે જણાવ્યું કે અમે યુગોથી અહીં રહીએ છીએ. અમે ગરીબ છીએ અને રાજકારણ વિશે અમે કશું જ જાણતા નથી. અમે સમજી શકતા નથી કે અમારી હત્યા કરવાથી હત્યારાઓને શું લાભ થશે. અમે ભયભીત છીએ. પોલીસ અને પ્રશાસને જવાબદારી લેવી જોઇએ.
શંકાસ્પદ ઉલ્ફાના ઉગ્રવાદીઓ દ્વારા પાંચની
હત્યા બાદ આસામમાં બંધ અને વિરોધ
(એજન્સી)
ગુવાહાટી, તા. ૨
આસામના તિનસુકિયા જિલ્લામાં શંકાસ્પદ ઉલ્ફા ઉગ્રવાદીઓ દ્વારા બંગાળી સમુદાયના પાંચ લોકોની હત્યા કરવામાં આવ્યા બાદ હત્યાનો વિરોધ કરવા માટે ઘણા રાજકીય પક્ષો શેરીઓમાં આવી ગયા હતા. હત્યા સામેના વિરોધમાં ઘણા બંગાળી સંગઠનો દ્વારા આપવામાં આવેલા સવારથી સાંજના બંધ દરમિયાન માર્ગો પર વાહનો અદ્રશ્ય થઇ ગયા હતા. દુકાનો અને બજારો પણ બંધ રહ્યા હતા. દરમિયાન, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ બંગાળીઓ પર કરવામાં આવેલા હુમલાને વખોડી કાઢીને જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) રાજ્યના વિભિન્ન ભાગોમાં રેલીઓ યોજશે. કોંગ્રેસ દ્વારા પણ આસામના પાટનગર ગુવાહાટી અને તિનસુકિયામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આસામ પોલીસ હત્યારાઓને શોધી રહી છે. પોલીસ વડા કુલાધર સાઇકિયા અને ટોચના પોલીસ અધિકારીઓ તિનસુકિયા પહોંચી ગયા છે. હત્યારાઓને સરહદ પાર કરતા અટકાવવા માટે આસામ-અરૂણાચલ પ્રદેશ સરહદે સૈન્ય દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગનમેન ટોળકીઓમાં આવ્યા હતા, અમને બેસાડીને ગોળીબાર કર્યો : આસામના તિનસુકિયા હુમલામાં બચી ગયેલાએ કહ્યું
(એજન્સી) ગુવાહાટી, તા. ૨
આસામના તિનસુકિયામાં આડેધડ ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા જ્યારે હુમલામાં બચી ગયેલા સહદેવ નામસુદ્રાએ પત્રકારોને જણાવ્યું કે હુમલાખોરો બે ટોળકીમાં આવ્યા હતા અને હુમલો કર્યો હતો. ગનમેને ગોળીબાર કરતા પહેલા મને પણ માર્યા ગયેલા પાંચ લોકો સાથે લાઇનમાં ઉભો રાખ્યો હતો. તે બ્રિજ પરથી પડી ગયો હોવાથી તેનો સદ્ભાગ્યે બચાવ થયો અને તે ત્યાંથી નાસીછૂટવામાં સફળ રહ્યો. હુમલાખોરોએ અમને બધાને બ્રિજ પર લાઇનમાં બેસાડી દીધા હતા અને હું બ્રિજને છેડે બેઠો હતો અને નીચે પડી ગયો હતો. જોકે, તેને ઇજાઓ થઇ ન હતી પરંતુ ભય અને હતાશાને કારણે હું બે ભાન થઇ ગયો હતો. હું ભાનમાં આવ્યો ત્યારે અન્ય પાંચ લોકોમાંથી એક જીવિત હતો. તેણે નામસુદ્રાને આ ઘટના વિશે તેના પરિવારને જાણ કરવાનું કહ્યું હતું અને પાણી માગ્યું હતું પરંતુ પછી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
તેઓએ અમારી સાથે હિન્દીમાં વાત કરી, પાંચની હત્યા કરનાર આસામના ગોળીબારમાં એક માત્ર બચી ગયેલાએ કહ્યું
(એજન્સી) તિનસુકિયા, તા. ૨
આસામના તિનસુકિયા જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા પાંચ બંગાળી ભાષી લોકોને ઠાર મારવાનેી ઘટનામાં એક માત્ર જીવિત બચેલા સહદેવ નામસુદ્રાએ જણાવ્યું કે હુમલાખોરોએ અમારી સાથે હિન્દીમાં વાત કરી હતી અને તેમને પોતાની સાથે આવવાનું કહ્યું હતું. હુમલાખોરોએ તેમની સાથે તો હિન્દીમાં વાત કરી હતી પરંતુ આપસમાં તેઓ આસામી ભાષામાં વાત કરતા હતા. અમારી સાથે વાત કરવાની હોય ત્યારે તેઓ હિન્દી ભાષા બોલતા હતા. હુમલાખોરો આવ્યા ત્યારે સહદેવ તેના મોબાઇલ ફોનમાં વીડિયો ગેમ રહી રહ્યો હતો. સૈનિકો અને અર્ધલશ્કરી દળોના ગણવેશમાં આવેલા હોવાથી તેમને જોઇને તેમને કોઇ ચિંતા થઇ ન હતી. જોકે, હુમલાખોરો પાસે રાઇફલો હતી અને કાળા કપડાથી તેમના મોઢા ઢંકાયેલા હતા. હુમલાખોરોએ સહદેવ પાસેથી તેનો મોબાઇલ છીનવી લીધો ત્યારે તેને લાગ્યું હતું કે કંઇક સમસ્યા છે.
આસામ હત્યા : એકમાત્ર બચી ગયેલાએ કહ્યું યુનિફોર્મમાં આવેલા સશસ્ત્ર લોકોએે પોઇન્ટ-બ્લેન્ક રેન્જથી તેમના પર ગોળીબાર કર્યો
(એજન્સી) ગુવાહાટી, તા. ૨
આસામના તિનસુકિયાના ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા જ્યારે જીવિત બચેલા સહદેવ નામસુદ્રાએ પોતાની આપવીતી જણાવી હતી. સહદેવે કહ્યું કે રાફલોથી સુસજ્જ છ હુમલાખોરો આર્મીના યુનિફોર્મમાં તેમની પાસે આવ્યા હતા. તેઓએ અમારી સાથે હિન્દી ભાષામાં વાત કરી હતી અને આપસમાં આસામી ભાષામાં વાત કરતા હતા. સહદેવે કહ્યું કે બ્રહ્મપુત્રા નદી પરના બ્રિજ પર અમને લઇ ગયા હતા. હુમલાખોરોએ અમને બધાને લાઇનમાં બેસાડી દીધા હતા અને પોઇન્ટ-બ્લેન્ક રેન્જથી અમારા પર ગોળીબાર કર્યો હતો. ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા અને હું છેડે બેઠેલો હોવાથી પાછળના ખાડામાં ભૂસ્કો માર્યો હતો. હુમલાખોરો તેમના ઓટોમેટિક શસ્ત્રોમાંથી ગોળીઓ મારી રહ્યા હતા ત્યારે હું મરી ગયો હોવાની જેમ પડી રહેલો હતો.