વાપી,તા.ર૯
આજ રોજ સંધ પ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલની સામે સામાજિક યુવા અગ્રણી અને લડાયક નેતા ઉમેશ પટેલ તરફથી સમગ્ર દમણ પ્રદેશમાં કાળો દિવસ મનાવવામાં આવશે તેવું એલાન કર્યું હતું અને ઉમેશ પટેલ તરફથી દમણમાં એક દિવસનું પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.
૨૦૧૬માં દીવ-દમણ અને દાદરા નગરહવેલીના પ્રશાસક તરીકે આવ્યા હતા અને તેઓનાં શાસનને ૨ વર્ષ પુરા થયા છે. આ ૨ વર્ષના શાસન દરમિયાન સમગ્ર દમણમાં કોઈ પણ વિકાસ થયો નથી અને હાલમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઉમેશ પટેલ તરફથી નાની દમણમાં કચેરી ખાતે એક દિવસનું પ્રતિક ઉપવાસ શરૂ કરી સમગ્ર દમણમાં આજના દિવસે બે વર્ષના નિષ્ફળ શાસન સામે કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી હતી અને ઉમેશ પટેલ ઉપવાસ પર બેઠાં હતાં.
પ્રશાસક પ્રફુલ્લ પટેલની સામે ઉમેશ પટેલ ઉપવાસ શરૂ કરતાં દમણ પોલીસે તેઓની ધરપકડ કરી હતી અને આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તો દમણના નાગરિકોનો સાથ અને સહકાર ન મળે તેથી દમણ પોલીસે ઉમેશ પટેલને પકડવા માટે તાત્કાલિક અસરથી પગલાં લીધા હતા.
ઉમેશ પટેલે જણાવ્યુ હતુ કે આ દમણમાં આ ૨ વર્ષમાં પ્રફુલ્લ પટેલના શાસન દરમિયાન દમણમાં ખુબજ નુકસાન થયું છે અને દમણમાં સ્થાનિક યુવાનોના ભોગે અન્ય રાજ્યોના યુવાનોને નોકરી આપવામાં આવે છે. દમણમાં સ્થાનિક યુવાનો માટે કોઈ રોજગારીની તકો પણ ઘટી છે અને હાલમાં દમણમાં સ્થાનિક લોકો સામે જ વધુને વધુ પ્રમાણમાં હેરાનગતિ કરવામાં આવી રહી છે. શિક્ષણ મોંઘુ થયું છે. રસ્તાઓ સમગ્ર દમણમાં તુટી ગયા છે. કોઈ પણ વિરોધ પ્રદર્શન અથવા ભ્રષ્ટાચાર સામે લડત અપવાવામાં આવે તૈયારીઓ તો સરમુખત્યારશાહની જેમ શામ-દામ-દંડથી દબાવીને ધરપકડ કરવામાં આવે છે.