ઉમરાળા ગામે યોદ્ધા સંમેલનમાં હાર્દિકના ભાજપ સામે આકરા પ્રહારો

ભાવનગર, તા.૨૭
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજરોજ શુક્રવારે ભાવનગર જિલ્લાના ઉમરાળાના ટીંબી ગામેના રોડ ઉપર આવેલ ગ્રાઉન્ડ ખાતે ‘યોદ્ધા સંમેલન’ યોજાયું હતું. આ સંમેલનમાં હાર્દિક પટેલની સાથે ગોપાલ ઈટાળિયા, અલ્પેશ કંથેરિયા, ધાર્મિક માલવિયા, નરેશ ડાંખરા, વિજય માંગુકિયા સહિતના પાસના કન્વીનરોએ આ સભા સંબોધતા સત્તાધારી ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. પાટીદાર અગ્રણીય હાર્દિક પટેલનું તમામ સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ તલવારની ભેટ અને સાફો પહેરાવીને હાર્દિકને સન્માનિત કર્યો હતો. આ સભાને સંબોધતા હાર્દિક પટેલ આ સરકારે ભાવનગર-અમદાવાદ શોર્ટ માર્ગ નહીં બનાવીને કેટલાક નિર્દોષ લોકોનો ભોગ લીધો છે તેમ જણાવી કલ્પસર યોજના સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાજપે ભારત માતા કી જય…જય હિન્દ…અને કેસરી કલર જાણે પોતે જ વેચાતો લીધા હોય અને તેનો દુરૂપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. હાર્દિકે પાટીદારો સહિત અન્ય સમાજને થતા અન્યાય, અત્યાચારો સામે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આવતી તા.૨૯ને રવિવારે હાર્દિક પટેલ ભાવનગર શહેરમાં રોડ-શો યોજી જાહેરસભા સંબોધશે. ભાવનગરમાં સરકારી તંત્ર દ્વારા તેના પર ચાંપતી નજર રાખવામાં આવી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ હાર્દિક પટેલની આજરોજ ઉમરાળા ખાતે જાહેરસભા હોવાથી ભાવનગરમાંથી પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનું અને ભાવનગરથી બાઈક લઈને બંદોબસ્ત માટે ગત રાત્રીના સુમારે જતા ભાવનગર નજીકના ઘાંઘળી ગામ પાસે ભાવનગરના પોલીસ કોન્સ્ટેબલ ઈસુબભાઈ સોલંકી (સાણોદરવાળા)નું બાઈક મોટર સાથે અથડાતાં ઈસુબભાઈને માથાના ભાગે ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks