ઉમરેઠની શાંત પરિસ્થિતિને ડહોળવાનો કટ્ટરવાદીઓનો પ્રયાસ : રાજકીય દબાણ લાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી

(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૬
ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ નજીક આવી રહી છે,અને ચૂંટણી પૂર્વે કટ્ટરવાદી તત્વો દ્વારા ચૂંટણીમાં લાભ મેળવવા માટે કોમી તોફાનો કરાવવામાં આવશે,તેવી દહેસત ધીમે ધીમે સાચી પડવા તરફ જઈ રહી છે,ત્યારે ગઈકાલે મોડી સાંજે ગણેશ વિસર્જન દરમિયાન કટ્ટરવાદી તત્વોએ મુસ્લિમ યુવાનોએ પ્રસાદનું અપમાન કરી તેનાં પર પેસાબ કર્યાની ખોટી વાત ઉપજાવી કાઢી પોલીસ મથકમાં જઈ પોલીસ અધિકારીઓ પર રાજકીય દબાણ લાવી મુસ્લિમ યુવાનો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી તેમજ આજે મામલતદારને આવેદનપત્ર આપીને તેમજ સાંજે હિંદુ સમાજની મીટીંગ બોલવાવામાં આવતા પોલીસે સમગ્ર ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મળતી વિગતો અનુસાર ઉમરેઠ શહેરમાં ઓડ બજારમાં નગીના મસ્જીદ પાસે રહેતા વહીદાબેન મહંમદફારૂક વ્હોરા પોતાની જેઠાણી જાયેદાબેન અને પુત્ર તહેસીન (ઉ.વ.૧૬) સાથે પોતાનાં ઘરની નજીક પંડયાનાં ગલ્લા પાસે ગણેશ વિસર્જનનો વરધોડો જોવા ગયા હતા,ત્યારે વરઘોડામાં જોડાયેલા હિન્દુ સમાજનાં લોકો ગાળો બોલી ઠઠ્ઠા મશ્કરીઓ કરતા હોઈ જે બાબતે તહેસીનએ તેની માતાને ઘરે જવા જણાવ્યું હતું, અને ત્યારે તેમનાં ઘર નજીક રહેતા દિપ તરૂણભાઈ પટેલએ વરઘોડામાં ધક્કામુક્કી કરતાં તહેસીનને ધક્કો વાગતા દીપે તેને ઘરે ચાલ્યો જવાનું કહ્યું હતું.જેથી તહેસીનએ તેને ધક્કો મારવાની ના પાડતાં બોલાચાલી થતાં દીપનું ઉપરાળું લઈને દિપનાં કાકા અને નગરપાલિકાનાં કાઉન્સીલર કનુભાઈ શંકરભાઈ શાહ સહીત ચાર જણાએ દોડી આવીને તહેસીનનું ગળંુ પકડી ગળુ દબાવીને ફેંટ પકડી ગડદાપાટુનો માર માર્યો હતો, જેથી જાયેદાબેનએ વચ્ચે પડીને તહેસીનને છોડાવ્યો હતો ત્યારબાદ આ બનાવ અંગે ઉમરેઠ પોલીસએ વહીદાબેન મહમદફારૂક વ્હોરાની ફરિયાદનાં આધારે કનુભાઈ શંકરભાઈ શાહ, વ્રજ ગોપાલભાઈ શાહ, દક્ષેસ કીરીટભાઈ શાહ, ગોપાલ રણછોડભાઈ શાહ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જયારે આ ઘટનાને કેટલાક કટ્ટરવાદી તત્વોએ કોમી સ્વરૂપ આપી દીધુ હતું.અને ઉમરેઠ પોલીસ મથકમાં હલ્લાબોલ કરી રાજકીય દબાણ લાવીને ઉમરેઠ શહેરમાં ઓડ બજાર યમુના પાર્કમાં રહેતા ગોપાલ રણછોડભાઈ પોલા(શાહ)નાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા અનુસાર તેઓ તથા તેમના સંબંધીઓ ગતરોજ સાંજના પોણા છ વાગ્યાના સુમારે ગણેશ વિસર્જન જોવા સારૂ પોતાની દુકાનની સામે આવેલ બાંકડા ઉપર બેસી ગણેશ વિસર્જન જોતા હતા. તે દરમ્યાન ફારૂક અલીજી વ્હોરાએ ગણપતિનો પ્રસાદ લઈ પગ નીચે કચડી પેશાબ કરતો હોઈ ધાર્મિક લાભણી દુભાતા તેઓએ ફારૂકને ઠપકો આપ્યો હતો.જેથી ફારૂકે ગમે તેમ ગાળો બોલતા ગોપાલભાઈએ ચાલ તારા પિતાજીને વાત કરૂ.જેથી ગોપાલભાઈ ફારૂક સાથે ફળીયાના નાકે જતા બીજા ચાર શખ્સોએ પાછળથી આવી તેઓને ગડદાપાટુનો મારમાર્યો હતો અને ફારૂક વ્હોરાએ ઘરેથી તલવાર લઈ આવી જો ફરી મારૂ નામ લઈશ તો આ તલવારથી તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી અને ગોપાલભાઈએ પહેરેલ સોનાની ચેઈન તોડી લુંટ ચલાવી ગાળો બોલી પાકિસ્તાનનો કાગળનો ઝંડો ફરકાવ્યો હતો.જેથી પોલીસે ફારૂક અલીજી વ્હોરા,મુસ્તકીમ સલીમભાઈ વ્હોરા,ફારૂકનો છોકરો ઉ.વ.૨૧ના આશરાનો, શોએબ અલ્લારખા વ્હોરા,રાહીલ અલ્લારખા વ્હોરા તમામ રહે.નગીના મસ્જીદ પાસે ઉમરેઠ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્યારબાદ આ ઘટનાને વધુ કોમી રંગ આપી રાજકીય લાભ ખાટવાનાં ઈરાદે આજે હિંદુ સમાજએ રેલી કાઢી મુસ્લિમ સમાજ વિરૂદ્ધ સાવ મનધડત અને ખોટી વાતો તેમજ નફરત વધારે તેવી વાતો કરી આવેદનપત્ર આપ્યું હતું,તેમજ વાતાવરણને વધુ બગાડવા માટે હિંદુ સમાજની બેઠક બોલાવી હતી,તેમજ પોલીસ મથકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ સત્તાનાં મદમાં બેહુદુ વર્તન કર્યું હતું,જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ મથકનાં સીસી ટીવી કેમેરાનાં ફુટેજ જોવામાં આવે તો પોલીસ અધિકારીઓ સાથે બેહુદુ વર્તન કરનારાઓનાં ચહેરા પ્રજા સમક્ષ પણ ખુલ્લા થઈ જશે.
ઉમરેઠ બેઠક પર વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસનાં ઉમેદવારનો વિજય થયો હતો,તેમજ ત્યારબાદ ૨૦૧૨માં એનસીપીનાં ઉમેદવારનો વિજય થયો હતો,જેથી છેલ્લા ૧૦ વર્ષથી ભાજપએ આ બેઠક પર સત્તા ગુમાવી હોઈ તેમજ આગામી વિધાનસભાની ચુંટણીમાં રાજકીય લાભ ખાટવા માટે સામાન્ય ઝઘડાને કોમી સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે,આ ધટનાને લઈને પોલીસે સમગ્ર ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો,તેમજ આજે મોટાભાગનાં વહેપારીઓએ પણ પોતાની દુકાનો ચાલું રાખી હતી,તેમજ વાતાવરણ સામાન્ય હતું તેમ છતાં કેટલાક કટ્ટરવાદી તત્વોએ સોશિયલ મિડીયામાં વાતાવરણને ડહોળે તેવા મેસેજો કરવાનું ચાલુ રાખ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks