(એજન્સી) તા.ર૮
ગુરૂવારે જાહેર થયેલા યુ.એન.ના એક અહેવાલ મુજબ ગયા વર્ષે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહંમદ અને હિઝબુલ મુજાહિદ્દીને કાશ્મીરના બાળકોની ભરતી કરી સુરક્ષા દળો સામેના સંઘર્ષમાં તેમનો ઉપયોગ કર્યો હતો. બાળકો અને સૈન્ય સંઘર્ષ પર યુ.એન.ના મહાસચિવનો આ અહેવાલ વર્ષ ર૦૧૭ના જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સમયગાળાને આવરી લે છે. ભારતની પરિસ્થિતિ વિશે આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સશસ્ત્ર સંગઠનો અને સરકારી દળો વચ્ચેની હિંસાથી બાળકો સતત અસરગ્રસ્ત થાય છે, ખાસ કરીને છત્તીસગઢ, ઝારખંડ અને કાશ્મીરમાં આ પરિસ્થિતિ છે. આ અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે સંઘર્ષ દરમ્યાન બે આતંકવાદી સંગઠનો દ્વારા બાળકોના ઉપયોગની ત્રણ ઘટનાઓ નોંધાઈ હતી. અહેવાલ પ્રમાણે “એક ઘટના જૈશ-એ-મોહંમદ સાથે સંકળાયેલી છે. જ્યારે બે ઘટનાઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલી છે” આ ઉપરાંત આ અહેવાલ આમ પણ દર્શાવે છે કે સુરક્ષા દળોએ પણ જાસૂસી માટે બાળકોનો ઉપયોગ કર્યો હતો. યુ.એન.ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ભારત સરકારને કહ્યું હતું કે, બાળકોની ભરતી કરતા ષડયંત્રકારો સામે પગલાં લેવામાં આવે અને યુ.એન. સાથે મળીને બાળકો વિરૂદ્ધની હિંસાનો અંત લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે.