(એજન્સી) તા.૩૧
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે દાયકાઓ જૂના ગાઝા પરના પ્રતિબંધોને પાછા ખેંચી લેવા માટે ઇઝરાયેલને આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે દિવસે ને દિવસે ગાઝા પર પ્રતિબંધોને કારણે લોકો ગરીબી અને બેરોજગારીનો ભોગ બની રહ્યાં છે અને ગાઝામાં એક નાટકીય માનવીય કટોકટી જેવી સ્થિતિ સર્જાઇ છે. ગ્યુટરેસે આ ટિપ્પણી બુધવારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પેલેસ્ટીનના શરણાર્થીઓ માટે સંચાલિત એક શાળાની મુલાકાત દરમિયાન કરી હતી. આ સ્કૂલ ઉત્તરીય ગાઝા વિસ્તારમાં આવેલી અને તે યુએનઆરડબ્લ્યૂએના નામે પણ ઓળખાય છે. યુએનના મહાસચિવ ગ્યુટરેસે ગાઝાની મુલાકાત વખતે ત્યાંની આકરી સ્થિતિનું આકલન કર્યા બાદ કહ્યું હતું કે વીજકાપની સમસ્યા અને પાણીની ભયંકર કટોકટીને કારણે ગાઝા દિવસે ને દિવસે અંત તરફ આગળ ધપી રહ્યું છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં હું માનવીય અધિકારો માટે વર્ષોથી કામ કરી રહ્યો છું પરંતુ મેં અગાઉ ક્યારેય આવી નાટકીય માનવીય કટોકટી જેવી સ્થિતિ જોઇ નથી. તેમણે કહ્યું કે ગાઝાની હાલત ખૂબ જ કથળી રહી છે અને તેના માટે ઇઝરાયેલના પ્રતિબંધો જ જવાબદાર છે. તેમણે કહ્યું કે હવે સમય પાકી ગયો છે કે ઇઝરાયેલ ગાઝા પર લાદેલા પ્રતિબંધોને પાછો ખેંચે અને ઇજિપ્ત દ્વારા જે રાફાહ સરહદ સીલ કરવામાં આવી છે તેને પણ ખોલી દેવામાં આવે. હું બંને દેશોને આ માટે આગ્રહ કરું છું. તમને જણાવી દઇએ કે યુએનના મહાસચિવે તેમની ત્રણ દિવસની યાત્રાનું સમાપન પેલેસ્ટીનના ગાઝામાં કયુર્ં છે. ગ્યુટરેસે જ્યારથી પદ સંભાળ્યો છે ત્યારથી લઈને આજ સુધીની આ તેમની પ્રથમ યાત્રા હતી. આ યાત્રા દરમિયાન ગ્યુટરેસે ઇઝરાયેલી અને પેલેસ્ટીની અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી. તેમને વચ્ચે જેરૂસલેમ અને રામાલ્લાહ ખાતે બેઠકો યોજાઇ હતી. પેલેસ્ટીન પ્રતિકાર ચળવળ હમાસે પણ ગ્યુટરેસનું સ્વાગત કર્યું હતું.