ઉના, તા. ર૮
ગીરગઢડા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ચારોતરફ ખાનાખરાબી સર્જાયા અનેક ગામોમાં આઠ-આઠ દિવસ સુધી પાણીમાં ડૂબેલા રહ્યા હતા. લોકોએ પોતાના ઘરોમાં ગોઠણ ડૂબ પાણીમાં ભુખાતરસા દિવસો ગુજાર્યા હતા. અનેક ગામોમાં લોકોની જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ખાવાપીવાની ખાદ્યય સામગ્રી પાણીમાં તણાઇ ગઇ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતા જ રાજ્ય સરકારના મંત્રીઓ અધિકારી પદાધિકારીઓ વિરોધ પક્ષના નેતાઓ અને ધારાસભ્ય સહિતના પ્રજાના ચૂંટાયેલા નેતાઓએ ગામે-ગામ દોડી હાલાત અને પરિસ્થિતિ નજરે જોઇ લોકોને તાત્કાલિક સહાય મળે તેવા લુખ્ખા આશ્વાસનો આપી વોટ બેંકની રાજનીતી ચલાવી હતી. પરંતુ અસરગ્રસ્ત ગીરગઢડા તાલુકાના ૨૯ ગામોના ૧૫૩૫ પરીવારોને ચૂકવાયેલ સહાયની રકમ ઉપર નજર કરવામાં આવે તો તબાહી થયેલા અસરગ્રસ્ત પરીવારોની જાણે કે તંત્ર અને સરકારે મજાક કરી હોય તેમ અસરગ્રસ્ત પરીવારને ઘર વખરીની સહાય પરિવાર દીઠ ૨ હજાર મામૂલી સહાય ચૂકવતા અસરગ્રસ્ત પરિવારોમાં સરકાર સામે રોષની લાગણી ફેલાયેલ છે. આ ઉપરાંત ખેડૂતોના પશુ તણાઇને મૃત્યુ પામેલ તે પૈકી માત્ર ૭ જણાને સહાય ચુકવાયેલ અને મકાન દીવાલો ધરાશાયી થઇ હોય તેવા પરિવારને તો હજુ સુધી પાયકોડી પણ ચૂકવાઈ નથી. તેમજ જમીન પાક ધોવાણ, ખેતીના ધોવાણ બાબતે સહાય ચુકવવાની વાત તો એક તરફ રહી પરંતુ આજથી આ જમીન ધોવાણ અને ખેતી પાક નુકશાન અંગેનો સર્વે શરૂ કરાયેલ છે.તેમાં પણ સર્વેયરોની મોટી અછત હોવાનુ જોવા મળે છે.
ઉના ગીરગઢડા કોડીનાર જેવા વધુ વસ્તી અને વિશાળ ગામડા ધરાવતા ગીરસોમનાથ જિલ્લાના આ મોટા તાલુકામાં બે દાયકા બાદ ઐતિહાસિક ૫૦ ઇંચ કરતા વધુ વરસાદ પ્રથમ રાઉન્ડમાં પડી જતાં સમગ્ર તાલુકાઓ આઠ-આઠ દિવસ સુધી સંપર્ક વિનાના રહ્યા હતા.
ત્રણ તાલુકામાં થયેલી અસરગ્રસ્ત લોકોને ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવા તેમજ રોડ રસ્તા અને પુલીયા નાણા સહીતના ખર્ચનો અંદાજ કરોડો રૂપિયા ઉપરનો હોય આ તાલુકાને બેઠા કરવા રાજ્ય સરકાર પાસે ઉના ધારાસભ્ય, જિલ્લા સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના નેતાઓને ખાસ રાહત પેકેજ ફાળવવામાં આવે તો જ ત્રણ તાલુકાના લોકોને પુનઃ ધંધા રોજગાર સાથે બેઠા કરી શકાશે. પરંતુ આટલા દિવસો પછી પણ રાહત પેકેજની વાત તો એક તરફ રહી પરંતુ જે નુકસાની ઘર વખરીની થઇ છે. તે નુકસાની વળતર પણ ચૂકવી શકાય તેવી સ્થિતિ તંત્ર પાસે રહી નથી.