ઉનાના પાલડી ગામના માછીમારનો મૃતદેહ માદરે વતન આવતાં ગામ હિબકે ચઢ્યું

(સંવાદદાતા દ્વારા)
ઉના, તા.૨
પાકિસ્તાન જેલમાં ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર કાનાભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ કે જેમનું તા.૫/૭/૨૦૧૭ના પાકિસ્તાન જેલમાં હાર્ડએટેકના કારણે મોત થયેલ હોય જેનો મૃતદેહ ૨૮ દિવસ બાદ તેના માદરે વતન પાલડી ગામે પહોંચતા મૃતક માછીમારના પિતા, પુત્ર, પત્નિ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયેલો અને આખુ ગામ હિબકે ચડ્યું હતું અને અંતિમવિધિ માટે સમગ્ર ગામ શ્મસાન યાત્રામાં જોડાયું હતું. તાલુકાનાં પાલડી ગામે રહેતા કાનાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૬) આશરે ૩થી ૪ માસ પહેલાં પોરબંદરની શિવકૃપા નામની બોટમાં માછીમારી કરવા ગયેલા અને પાકિસ્તાન મરીન સિક્યોરિટીના હાથે ઝડપાઇ ગયા બાદ પાકિસ્તાન જેલમાં રાખવામાં આવેલ અને અચાનક જ ૫ જુલાઇના સવારના સમયે જેલમાં નાસ્તો કર્યા બાદ કાનાભાઇની તબિયત લથડતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં તેમને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ૨૮ દિવસ પછી મૃતક કાનાભાઇ ચૌહાણનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ઉપર વહેલી સવારે આવી પહોંચતા વેરાવળના ફિસરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારી લાશને રિસિવ કરી સાંજના સમયે પાલડી ગામે પહોંચતા સમગ્ર ગામના લોકો મૃતકના ઘરે પહોંચી ગયા હતા અને મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઇ વાળા, તેમજ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરીભાઇ સોલંકી, કારોબારી ચેરમેન મોહનભાઇ વાજા, પાલડી ગામના સરપંચ કમલેશભાઇ સોલંકી, તાલુકા પંચાયતના સભ્ય વિરાભાઇ સોલંકી સહિતના આગેવાનોએ આ મૃતક પરિવારોને દિલાસો પાઠવ્યો હતો.
ગરીબ માછીમાર પરિવારને સરકારની સહાય મળે તે જરૂરી : કમલેશભાઈ
પાલડી ગામના માછીમાર કાનાભાઇ તેના પરિવારના એક માત્ર કમાવનાર પુત્ર હોય અને તેમને પાંચ સંતાનો તેમજ વૃદ્ધ માતા-પિતા સહિતનું નાનું ગરીબ પરિવાર હોય તેના ભરણ પોષણ અને બાળકો સહિત આર્થિક પરિસ્થિતિ તદન નબળી હોય સરકાર દ્વારા આ પરિવારને સહાય મળે તેવી લાગણી ગામના આગેવાન કમલેશભાઇએ વ્યક્ત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks