(સંવાદદાતા દ્વારા) ઉના, તા.રર
એક તરફ સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઉચું લાવવા અને ગ્રામ્ય વિસ્તારના દરેક વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરવા જાય તે માટે શાળા પ્રવેશોત્સવ જેવા લખલૂટના ખર્ચે કાર્યક્રમો કરાઈ રહ્યા છે. ત્યારે ઉના તાલુકાના સનખડા ગામની સીમ શાળાની વાસ્તવિક્તા સાવ અલગ હોય તેમ આ સનખડા સીમ શાળામાં ધો.૧થી ૭માં ૧૧૮ છાત્રો અભ્યાસ કરતા હોય અને આ સીમ શાળામાં એક માત્ર શિક્ષક આ છાત્રોને અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે આ છાત્રો શું અભ્યાસ કરતા હશે તેવો સવાલ ઉઠવા પામી રહ્યો છે. સનખડા સીમ શાળાએ પહોંચી શાળાની પરિસ્થિતી જોઈ ત્યારે વિકાસ શું ? વિકાસ કોને કહેવાય તેવા સવાલો મનમાં ઉભરી આવ્યા પરંતુ તેનો કોઇ જવાબ ન હતો.ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરવા આવે છે. જેમાં કન્યા ૭૦ તેમજ કુમાર ૪૮ મળી કુલ ૧૧૮ વિદ્યાર્થીઓ અંદાજે ૩ કિ.મી. ચાલીને શાળાએ અભ્યાસ કરવા આવે છે પરંતુ આ સીમ શાળામાં એક માત્ર શિક્ષક દિપકભાઇ જાની ફરજ બજાવી રહ્યા છે. અને આ ૧૧૮ છાત્રોને અભ્યાસ કરાવી રહ્યા છે. જ્યારે શિક્ષક પણ કોઇ અન્ય શિક્ષકની નિમણૂક થતી ન હોવાથી પોતે લાચાર બની ગયેલ હોવા છતાં પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ધો.૧ અને ધો.રનાં વિદ્યાર્થીઓને એક કલાસમાં ધો.૩નાં વિદ્યાર્થીઓનો એક કલાસ ધો.૪ અને ધો.૫ અને ધો.૬ અને ધો.૭ના મળી બે કલાસમાં વિદ્યાર્થીઓને બેસાડી હાલ રગડ ધગડ અભ્યાસ રૂમ ચલાવી રહ્યા છે.
બીજી તરફ હાલ શિયાળાની ઋતુ હોય અને કડકડતી ઠંડીમાં ધો.૧ થી ૨નાં વિદ્યાર્થીઓને કમપાઉન્ડમાં અભ્યાસ માટે બેસાડવા પડતા હોય છે. આ બાબતે શાળાના શિક્ષકને પૂછતા તેમણે જણાવેલ હતુ કે વિદ્યાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરાવુ તો બીજા કલાસમાં વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર ધ્યાન રહે. આ સીમ શાળામાં શિક્ષકોની નિમણૂક બાબતે પુછતા તેમણે જણાવેલ હતુ કે આ બાબતે મારા તરફથી એક માસ પહેલા સ્થાનિક શિક્ષણ વિભાગને રજુઆત કરેલ છે. પરંતુ શિક્ષકની હજુ સુધી નિમણૂક થયેલ નથી.