(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧૩
ઉના નગરપાલિકામાં ૧૬૨ કર્મચારીઓની વર્ષો જૂની પડતર માગણીઓને લઇને અખિલ ગુજરાત નગરપાલિકા મંડળ દ્વારા અગાઉ છ માસ પહેલાં પણ હડતાળ પર ઉતર્યા હતા. અનેકવાર લેખિતમાં અને મૈખિક રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા શોષણકારી નીતિ ધરાવતી હોય જેથી રોજમદારો, સફાઇ કામદારો તમામ કર્મચારીઓને છઠ્ઠા, સાતમાં પગાર પંચનો લાભ સહિતની વિવિધ માગણીઓને ધ્યાને ન લેવાતા અને રાજ્ય સરકાર તરફથી કોઇ હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતા રાજ્ય મહામંડળો દ્વારા તા.૧૧થી ૧૩ ઓક્ટોબર આમ ત્રણ દિવસથી ઉના શહેરના ટાવર ચોક ખાતે હડતાળ પર ઉતરી ગયા હતા. જ્યારે કર્મચારીઓના હડતાળના કારણે કામગીરી ખોરવાઇ જતા અરજદારોને દાખલાઓ સહિતના કામો કરાવવા મુશ્કેલી પડી હતી તેમજ નગરપાલિકા કર્મચારી દ્વારા જણાવવામાં આવેલ કે, હજુ સુધી અમારી માગણી સંતોષાય નહી તો વધુ ઉગ્ર અંદોલન કરવાની ફરજ પડશે અને દિવાળી નજીક આવતી હોય જેથી દિવાળી પણ બગડશે તેવું જણાવી કર્મચારીઓએ રોષ વ્યક્ત કર્યો છે.