અમદાવાદ,તા.૧૧
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આજે લોક જનશકિત પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ભાજપની તરફેણમાં પ્રચારનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં કોઇ વર્ગની ભાજપ પરત્વે નારાજગી નહી હોવાનું જણાવતાં રામવિલાસ પાસવાને પાટીદારો મુદ્દે કહ્યું હતું કે, જો પાટીદારોને બંધારણીય રીતે અનામત મળતી હોય તો મળવી જોઇએ. જો કે, સમાજોએ પોતાના સમાજની જ વાત કરવાને બદલે એકબીજાની વાત કરવી જોઇએ. તેમણે એમ પણ જણાવ્યું કે, ઉનાકાંડ જેવી દલિતો પરની અત્યાચારની નાની-મોટી ઘટના બિહાર જેવા રાજયોમાં પણ બનતી હોય છે પરંતુ ગુજરાતમાં તે વધુ ચગાવાય છે. અલબત્ત દલિતો પર અત્યાચારની ઘટના ગંભીરતાથી જ લેવાવી જોઇએ અને સરકારે તેમાં કડક કાર્યવાહી કરવી જોઇએ.પાસવાને મોદી સરકારના અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી હતી અને જણાવ્યું હતું કે, મોદીના લીધે ગુજરાત મોડેલ દેશ અને દુનિયામાં પ્રચલિત બન્યું છે. દરમ્યાન ઉનાકાંડની દલિતો પરની અત્યાચારની ઘટનાને નાની ગણાવતાં રામવિલાસ પાસવાનના નિવેદનને લઇ દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભારે નારાજગી વ્યકત કરી હતી. મેવાણીએ પાસવાનના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢી તેમના રાજીનામાની માંગણી કરી હતી.