વેસ્ટ બેંક, તા. ૮
યુએન એજ્યુકેશનલ, કલ્ચરલ એન્ડ સાયન્ટિફિક ઓર્ગેનાઇઝેશન(યુનેસ્કો) દ્વારા હેબ્રોનના જુના શહેર અને ઐતિહાસિક મસ્જિદને વિશ્વ વારસા તરીકેનો દરજ્જો આપવા માટે કરાયેલા મતદાનમાં પેલેસ્ટીન દ્વારા સૂચવાયેલા છ દેશોમાંથી બે સ્થળોને સ્થાન મળતા ઇઝરાયેલ દ્વારા યુનેસ્કોની ઝાટકણી કાઢવામાં આવી હતી. આ મતદાનમાં પેલેસ્ટાઇનના આ બે સ્થળોને ૧૨-૩ મતોથી ચૂંટવામાં આવ્યા હતા. જોકે, કમિટીએ એમ પણ સૂચવ્યું હતું કે, હેબ્રોનમાં આવેલું ઐતિહાસિક સ્થળ ભયજનક સ્થિતિમાં છે. આ દરમિયાન પેલેસ્ટીનના વિદેશી બાબતોના મંત્રાલયે આ નિર્ણયને યોગ્ય ગણાવી આ મતદાનને કારણે હેબ્રોનને મદદ મળશે ઉપરાંત ઇઝરાયલની બેજવાબદાર, ગેરકાયદે અને નુકસાનકારક પ્રવૃત્તિને કારણે આ સાઇટ ભયજનક સ્થિતિમાં આવી ગઇ છે. પેલેસ્ટીનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પેલેસ્ટીનવાસીઓએ આ નિર્ણય બાદ ભારે ઉજવણી કરી હતી જેમાં યુનેસ્કો દ્વારા હેબ્રોનને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપ્યંુ જેના કારણે આ વિસ્તારની અમર્યાદિત ભૌૈગૌલિક, ધાર્મિક, રાજકીય અને વૈચારિક મુલ્યો વધી ગયા છે. તેમણે જણાવ્યું હતું કે, આ મતદાને શરમજનક રીતે જગ્યા પચાવી પાડવાના કૃત્યને નકારી કાઢ્યું છે. પેલેસ્ટીન રાજ્યમાં આવેલી હેબ્રોન સિટી અમારા દેશનું હૃદય છે જે વિશ્વના ઐતિહાસિક વારસામાં સ્થાન પામતા એક અલ્લાહમાં વિશ્વાસ રાખતા વિશ્વના ખૂણેખૂણામાં રહેતા મુસ્લિમોને ગર્વ અપાવ્યો છે. હેબ્રોન વેસ્ટ બેંકમાં અતિક્રમણવાળા વિસ્તારમાં સૌથી જુનું શહેર છે જેમાં જેરૂસલેમનો સમાવેશ થતો નથી પરંતુ અહીં પેલેસ્ટીનીઓ અને ઇઝરાયલી વસાહતીઓ આજુબાજુમાં જ રહે છે. અતિક્રમણ કરાયેલા મુખ્ય શહેરમાં ૨,૦૦,૦૦૦ પેલેસ્ટીનીઓ અને કેટલાક ઇઝરાયલીઓ રહે છે. આ વિસ્તાર બંને દેશો વચ્ચે સૌથી હિંસક સાબિત થાય છે પરંતુ પહેલાથી વસતા લોકો ક્યારેય હિંસામાં સામેલ થયા નથી. ઇઝરાયેલના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા ઇમેન્યુએલ નેહસનએ આ મતદાનને નકારતા ટિ્વટર યુનેસ્કો પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ લગાવી ઝાટકણી કાઢી હતી. ધૂંધવાયેલા ઇઝરાયલના મંત્રાલયે યુનેસ્કો પર ખોટા ઇતિહાસને પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો.