(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
તાજેતરના કેટલાક સપ્તાહમાં ઘણા બધા ફેક ન્યૂઝ ફેલાતા ગયા. જેમાં ખાસ કરીને બાળ અપહરણકારો અને બાળ તસ્કરીના ફેક ન્યૂઝની ભરમાર બાદ મોબ લિંચિંગ થકી સમગ્ર દેશમાં કેટલાયનો ભોગ લેવાયો. આ બાબત સમગ્ર દેશ માટે ખૂબ જ ચિંતાજનક છે. અહેવાલો મુજબ છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન ઢગલાબંધ ફેક ન્યૂઝના સંદેશાઓ અને વીડિયોને કારણે હિંસાત્મક ટોળાએ ર૭ લોકોને મોતને ઘાટ ઉતાર્યા. તાજેતરની ઘટનામાં રવિવારે મહારાષ્ટ્રના ઘૂલે જિલ્લામાં પણ મોબ લિંચિંગની ઘટના બની જેમાં પાંચ વ્યક્તિઓને બાળ અપહરણકારોની ગેંગ હોવાની શંકામાં ટોળાએ નિશાન બનાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. મોબ લિંચિંગની પહેલી ઘટના મે મહિનાના પ્રથમ સપ્તાહમાં તામિલનાડુમાં ઘટી હતી. ત્યારબાદ તેલંગણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ આ પ્રકારની ઘટનાએ આકાર લીધો. જૂનમાં, મુંબઈના સાઉન્ડ એન્જિનિયર સહિત બે વ્યક્તિઓને આસામમાં ઢોર માર મારવામાં આવતા તેમના મોત નિપજ્યા હતા. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે, તે આવી ભયંકર ઘટનાઓનો સામનો કરવા માટે કેન્દ્ર તેમજ રાજ્યોને માર્ગદર્શિકા જારી કરવા માટેની યોજના ઘડી રહી છે. જો કે, વ્હોટ્સએપ અને ફેસબુક પર ફેલાઈ રહેલા ફેક ન્યૂઝને અટકાવવા માટે સરકારને ગંભીર ચેતવણી આપવામાં આવી છે.