(એજન્સી) લખનૌ-પટના, તા.૧૪
એક મોટા રાજકીય પરિવર્તનમાં ઉત્તરપ્રદેશની ગોરખપુર અને ફુલપુર લોકસભા બેઠકો પરની પેટાચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજ પાર્ટીના સહયોગથી ભાજપના બંને ઉમેદવારોને હરાવ્યા છે. આગામી લોકસભા ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યાથ અને કેશવપ્રસાદ મૌર્યની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીના પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ માટે પણ મોટા ફટકા સમાન છે. ભારે હાર બાદ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, આ ચોંકાવનારા પરિણામો છે પરંતુ અમે લોકોએ આપેલા પરિણામને સ્વીકારીએ છીએ અને આગળ કામ કરવા તત્પર બનીશું. ગોરખપુરમાં ભાજપનો ૩૦ વર્ષ બાદ પહેલીવાર પરાજય થયો છે જ્યારે કેશવપ્રસાદ મૌર્ય ૨૦૧૪માં લોકસભાની ફુલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વિજયી બન્યા હતા.
સમાજવાદી પાર્ટીના નાગેન્દ્રપ્રતાપસિંહ પટેલે ફુલપુરમાં ભાજપના કૌશલેન્દ્રસિંહ પટેલને ૫૯,૪૬૦ મતોથી હરાવ્યા હતા જ્યારે ગોરખપુરમાં સમાજવાદી પાર્ટીના પ્રવીણ નિશાદે ભાજપના ઉપેન્દ્ર દત્ત શુક્લાને ૨૧,૯૬૧ મતોથી હરાવ્યા હતા. દરમિયાન મતગણતરી કેન્દ્રમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા વિવાદ થયો હતો. ઉત્તરપ્રદેશ વિધાનસભામાં પણ પરિણામોને પગલે ભારે ઉહાપોહ થયો હતો. દરમિયાન ચૂટણી પંચે કહ્યું હતું કે, દરેક રાઉન્ડની મતગણતરી બાદ મીડિયા ડીએમના નિવેદનો લેવા માટે આવતું હતું.ગોરખપુરમાં ૪૭.૪૫ ટકામતદાન થયું હતું જ્યારે ફુલપુરમાં ૩૭.૩૯ટકા મતદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથ છેલ્લી પાંચ ટર્મથી ગોરખપુર લોકસભા બેઠક પર જીતતા આવ્યા હતા. છેલ્લા ૨૮ વર્ષમાં પહેલીવાર ભાજપનો આ બેઠક પર પરાજય થયો છે. આ દરમિયાન યોગી આદિત્યનાથે હારનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે આવા પરિણામોની અમને અપેક્ષા નહોતી અને સપા તથા કોંગ્રેસ અલગ ચૂુંટણી લડી રહ્યા હતા જોકે અચાનક સપા અને બસપાએ ગઠબંધન કરી લીધું હતુ અને અમે તેને સમજી શક્યા નહોતા. વધુ પડતા આત્મવિશ્વાસને કારણે અમારો પરાજય થયો છે. બીજી તરફ જીતથી ઉત્સાહિત ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યં હતું કે, ભાજપની સરકારથી નારાજ લોકોએ તેમને જવાબ આપી દીધો છે. લોકોના અવિશ્વાસને કારણે સામાજિક ન્યાયનો વિજય થયો છે. મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી વિરૂદ્ધ લોકોના ગુસ્સાનું આ પરિણામ છે. આ દરમિયાન તેમણે બસપાના માયાવતીનો ઘણીવાર આભાર માન્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના બંને ઉમેદવારોએ ફુલપુર અને ગોરખપુરમાં પોતાની ડિપોઝિટ પણ ગુમાવવી પડી હતી. રાહુલ ગાંધીએ પરિણામો બાદ ટિ્વટ કરતા કહ્યું હતું કે, એ વાત સ્પષ્ટ છે કે, લોકો ભાજપ પ્રત્યે ક્રોધિત છે અને તેના માટે તેમણે બિનભાજપી ઉમેદવારને વિજયી બનાવ્યા છે.જોકે કોંગ્રેસને પણ ચિંતા છે. અમે યુપીમાં પાર્ટીના નવમિર્માણનો વાયદો કર્યો હતો અને આ રાતોરાત થઇ શકે તેમ નથી. પરિણામો અંગે તૃણમુલ કોંગ્રેસના મમતા બેનરજીએ ભાજપને ટોણો મારતા કહ્યું હતું કે, તમારા માટે કોઇ જીત નથી અને કોઇ ભેટની આશા ન રાખો. માયાવતીએ શાનદાર વિજયના અભિનંદન અખિલેશ યાદવ અને માયાવતીને આપ્યા હતા. તેમણે ટિ્વટ પર એમ પણ કહ્યું કે, આ પતનના પ્રારંભની શરૂઆત છે.
બિહારમાં જહાનાબાદ વિધાનસભા બેઠક પર આરજેડીના કૃષ્ણકુમાર મોહને જીત મેળવી હતી. અરેરિયામાં પણ આરજેડીએ જીત મેળવી છે જ્યારે ભભુઆ વિધાનસભા બેઠક પર ભાજપે જીત મેળવી છે.
મતગણતરી શરૂ થયા બાદ સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે છેલ્લે સુધી સ્પર્ધા રહી હતી. પરિણામ આવ્યા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને ફટકો પડ્યો હતો. કારણ કે બંને બેઠક પર ભાજપની હાર થઇ છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં પેટાચૂંટણી માટે ૧૧મી માર્ચના દિવસે ઓછું મતદાન થયુ હતુ. ગોરખપુરમાં ૪૭.૪૫ ટકા અને ફુલપુરમાં ૩૭.૩૯ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. ૨૦૧૪માં ભાજપે બંને સીટો ઉપર મોટા અંતરથી જીત મેળવી હતી. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં ફુલપુરમાં ૫૦.૨૦ ટકા અને ગોરખપુરમાં ૫૪.૬૪ ટકા મતદાન થયું હતું. બિહારમાં અરરિયા લોકસભા સીટ અને ભાબુઆ તેમજ જેહાનાબાદ વિધાનસભાની તેમજ ઉત્તરપ્રદેશમાં ફુલપુર, ગોરખપુર લોકસભા બેઠક માટે મતદાન યોજાયુ હતુ. ગોરખપુર સંસદીય બેઠકમાં ૯૭૦ મતદાન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા.૨૧૪૧ મતદાન મથકો પર મતદારો મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. ઉત્તરપ્રદેશના ફુલપુરમાં ૯૯૩ પોલીંગ સેન્ટરો અને ૨૦૫૯ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. ફુલપુર સંસદીય મતવિસ્તારમાં ૧૯૬૧ લાખ મતદારો અને ગોરખપુરમાં ૧૯.૪૯ લાખ મતદારો નોંધાયા હતા.
અરરિયા લોકસભા બેઠક પર રાજદના સરફરાઝ આલમે ભાજપને ૬૧ હજાર કરતા વધુ મતોથી હરાવ્યું
બિહારમાં અરરિયા લોકસભા બેઠક પર થયેલા મતદાનમાં રાષ્ટ્રીય જનતા દળના સરફરાઝ આલમે ભાજપના પ્રદીપસિંહને ૬૧,૭૮૮ મતોથી સજ્જડ પરાજય આપ્યો હતો. અરરિયા લોકસભા બેઠક માટે કુલ સાત ઉમેદવારો મેદાનમાં હતા. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ દ્વારા દિવંગત સાંસદ મોહમ્મદ તસલીમુદ્દીનના પુત્ર સરફરાઝ આલમન અને ભાજપ દ્વારા પ્રદીપ સિંહને ટિકિટ અપાઇ હતી અને બંને વચ્ચે સીધો જંગ હતો. ઉલ્લેખનીય છે કે, ૧૧મી માર્ચે થયેલી અરરિયા લોકસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં ૫૯ ટકા મતદાન થયું હતું. આ માટે અરરિયામાં કુલ ૨૧૪૩ મતદાન મથકો ગોઠવાયા હતા. સરફરાઝ આલમે આરજેડીની આ બેઠક સુરક્ષિત રાખી હતી.
સપા-બસપા ગઠબંધને યુપી પેટા ચૂંટણીઓ જીતતાં બુઆ-ભતીજા ઝિંદાબાદના નારા લાગ્યા
ઉત્તરપ્રદેશની ગોપખપુર અને ફુલપુરની પેટાચંુંટણીઓમાં સપા-બસપા ગઠબંધનનો ભાજપ સામે પ્રચંડ વિજય થયા બાદ સમર્થકોએ બુઆ-ભતીજા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ભાજપને મોટા માર્જિનથી પરાજય આપ્યા બાદ ઘણા વીડિઓ વાઇરલ થયા હતા જેમાં બંને પક્ષના સમર્થકો બુઆ-ભતીજા ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. ગોરખપુરમાં સમાજવાદીપાર્ટીના પ્રવીણ નિશાદે ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાને ભારે મતોથી હરાવ્યા હતા જ્યારે ફુલપુરમાં સમાજવાદી પાર્ટીના નાગેન્દ્ર પ્રતાપસિંહે પોતાના ભાજપી વિરોધીને પછડાટ આપી હતી. આ પેટા ચૂંટણીઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની ખાલી પડેલી બેઠકો માટે યોજાઇ હતી. મતગણતરી દરમિયાન ઉત્તરપ્રદેશની વિધાનસભામાં પણ મારા મારીના દૃશ્યો સર્જાયા હતા.
ગોરખપુર હારવાથી ભાજપને પડેલા ફટકાની મુખ્ય પાંચ બાબતો
યોગી આદિત્યનાથ ગયા વર્ષે મુખ્યમંત્રી બનતા ગોરખપુર લોકસભા બેઠક ખાલી પડી તે પહેલા ૨૦ વર્ષથી યોગી આ બેઠક પર ક્યારેય હાર્યા નથી અને આ પેટાચૂંટણીમાં આ બેઠક સમાજવાદી પાર્ટીએ જીતી લીધી છે. સમાજવાદી પાર્ટીએ આ વખતે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું અને તેના કારણે ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યના ગઠ ફુલપુરને પણ જીતવામાં સફળતા મેળવી છે. આ પરિણામોએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને દઝાડ્યા છે જેમાં તેમણે ગત વિધાનસભામાં જોરદાર વિજય મેળવ્યો હતો.
ગોરખપુરમાં હારની ભાજપ પર અસરના પાંચ કારણો
૧. ગોરખપુર યોગી આદિત્યનાથની આગેવાનીવાળી ભાજપની સૌથી સુરક્ષિત બેઠકોમાંથી એક ગણાતી હતી. યોગી ૧૯૯૮થી ગોરખપુરમાં જીતતા આવ્યા છે જ્યાં સુધી તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી તેઓ હાર્યા નહોતા. યોગી આદિત્યનાથ પહેલા તેમના મહંત અવેદ્યનાથ ૧૯૮૯થી ત્રણ વખત અહીંથી સાંસદ બન્યા હતા. યોગી આદિત્યનાથે તેમના મહંત બાદ આ વિસ્તારની આગેવાની લીધી હતી.
૨. યોગી આદિત્યનાથે આ પેટાચૂંટણીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના રિહર્સલ તરીકે ગણાવી હતી. ભાજપને આશા હતી કે, વર્ષ ૨૦૧૪માં જે રીતે યુપીમાં ૮૦માંથી ભાજપે ૭૩ બેઠકો જીતી હતી તે જ રીતે આ બે લોકસભા બેઠકો પર પણ તે જીત મેળવી લેશે. ભાજપ અહીં પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગતું હતું.
૩. ભાજપના કટ્ટરહિંદુવાદી યોગી આદિત્યનાથ માટે આ મોટો ફટકો છે અને તેમને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપાઇ છે. આ સાથે જ યોગી આદિત્યનાથના હિંદુ એજન્ડાને પણ મોટો ફટકો પડ્યો છે.
૪. આ પરિણામો માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને જવાબદાર ગણાય છે જે છેલ્લા ૨૫ વર્ષથી એકબીજાના વિરોધી છે. આ પેટાચૂંટણીમાં ભાજપને હરાવવા માટે બંનેએ હાથ મિલાવ્યા હતા. આ સ્પષ્ટ સંકેત છે કે, આવું કોઇ ગઠબંધન ગેમચેન્ર સાબિત થઇ શકે છે અને યુપીમાં પણ બિહાર જેવું મહાગઠબંધન રચાઇ શકે છે.
૫. ઉત્તરપ્રદેશમાં ભાજપની હારનો અર્થએ થયો કે, તેણે ૨૭૨ની જોઇતી બહુમતી ગુમાવશે. પાર્ટીએ ગત લોસકભામાં ૨૮૨ બેઠકો જીતી હતી અને તેણે કારણે તે ગઠબંધન પક્ષો પરધ્યાન આપતી નહોતી. આ ફરિયાદ ગઠબંધન સાથીઓની પણ રહી હતી જોકે, આ પરિણામ બાદ સાથી પક્ષો બાંયો ચડાવે તો નવાઇ નહીં.