યુપી-બિહારમાં ભારે વરસાદથી તારાજી : ૫૦થી પણ વધારે મોત

(એજન્સી) લખનૌ, પટણા, તા. ૨૮
ઉત્તરપ્રદેશથી લઇને બિહાર સુધી ભારે વરસાદના કારણે ભારે તારાજી થઇ છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે તારાજી વચ્ચે એકલા ઉત્તરપ્રદેશમાં જ પુર અને ભારે વરસાદ સંબંધિત બનાવોમાં ૫૦ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે બિહારમાં પણ હાલત કફોડી બનેલી છે. મોતનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. બચાવ અને રાહત કામગીરી જુદા જુદા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વીજળી અને પાણી પુરવઠો ખોરવાઇ ગયો છે. બિહારમાં ૧૫ જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અહીં ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ રેલવે સુવિધા ઠપ્પ થઇ ગઇ છે. બંને રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી હોવાના કારણે સ્કુલ અને કોલેજોને બંધ રાખવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે જેથી જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. સ્કુલ કોલેજોને બંધ રાખવાનો આદેશ કરાયો છે. શહેરના જુના વિસ્તારોથી લઇને વીઆઈપી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં ૧૨થી વધુ લોકોના મોત થયા છે. ચંદોલીમાં ત્રણ, અમેઠીમાં બે, ભદોઈમાં બે, વારાણસી અને અયોધ્યામાં એક-એકના મોત થયા છે. ચંદોલીમાં દિવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. વિવિધ વિસ્તારોમાં વિજળી ડુલ થઇ ગઇ છે. મહારાષ્ટ્રના પુણેમાં સ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.મિરઝાપર, સુલ્તાનપુર, વારાણસી, અયોધ્યા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ભારે વરસાદ થયો છે. ટુંકાગાળામાં જ મોટી સંખ્યામાં લોકોના મોત થઇ ચુક્યા છે. સામાન્યરીતે પહેલી સપ્ટેમ્બરથી મોનસુનની વાપસીનો ગાળો શરૂ થઇ જાય છે પરંતુ આ વખતે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદ જારી રહેવાની શક્યતા દેખાઈ રહી છે. છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. બચાવ અને રાહત કામગીરી તમામ જગ્યાઓએ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.પટણાથી પ્રાપ્ત અહેવાલ મુજબ અનેક જગ્યાઓ ઉપર રેલવે સેવા ખોરવાઈ ગઈ છે. ગંગા અને ગંડક જેવી નદીઓમાં પાણીની સપાટી અનેકગણી વધી ગઈ છે. બિહારના ૧૫ જિલ્લાઓમાં રેડએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બિહારના પાટનગર પટણામાં પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. પટણામાં ઘુટણ સુધી પાણી ભરાઈ ગયા છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. પટણામાં છેલ્લા બે ત્રણ દિવસથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. હંમેશા ભરચક રહેતા પટણાના માર્કેટમાં સન્નાટો ફેલાઈ ગયો છે. નાલંદા મેડિકલ કોલેજમાં પણ પાણી ભરાઈ ગયા છે જેથી દર્દીઓની સાથે સાથે અન્યોને પણ તકલીફ થઇ રહી છે. પટણાના લોકપ્રિય ડાક બંગલા ચાર રસ્તા પર ઘુંટણ સુધીના પાણી ભરાયા છે. અનેક વૃક્ષો અને મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ બિહારમાં હજુ બે ત્રણ દિવસ સુધી સ્થિતિમાં સુધારો થશે નહીં. પટણા ઉપરાંત મુઝફ્ફરપુર, દરભંગા, ભાગલપુર, પુર્ણિયા, દેતિયા, ગયા, ઔરંગાબાદ, જેહાનાબાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ સતત ભારે વરસાદ થઇ રહ્યો છે. સ્કુલ કોલેજોને બંધ રાખવાનો નિર્ણય સાવચેતીના પગલારુપે લેવાયો છે. બિહાર-ઉત્તરપ્રદેશની સાથે સાથે દેશના અન્ય ભાગોમાં પણ હાલમાં ભારે વરસાદ થઇ રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં સાવચેતીના તમામ પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છેલ્લા કેટલાક દિવસથી જામેલો છે જેના કારણે સિઝનનો વરસાદનો આંકડો સતત વધી રહ્યો છે. વરસાદના કારણે નવરાત્રિ ઉપર પણ અસર થવાના સંકેત મળ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks