(એજન્સી) કાસગંજ,તા.૧૬
કાસગંજ જનપદના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના નિજામપુર ગામમાં પહેલી વખત કોઈ દલિતની જાન નીકળી, જેમાં યુવક ઘોડે ચઢીને પહોંચ્યો હોય. દલિત વરરાજા સંજય જાટવની જાન ધૂમધામથી બેન્ડવાજા સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નવોઢાના ઘરે પહોંચી હતી. નવોઢાની ઈચ્છા હતી કે તેનો ભાવિ પતિ ઘોડે ચઢીને તેના ઘરે આવે, પરંતુ અત્યાર સુધી નિજામપુર ગામમાં દલિતોને ઘોડા પર બેસવાની મંજૂરી નહોતી. વરરાજાએ પોલીસની મદદ માંગી, ત્યારબાદ જિલ્લા પ્રશાસને સુરક્ષા આપવાનો ભરોસો આપ્યો હતો. રવિવારે જ્યારે જાન પહોંચવાની હતી, તે સમયે ગામમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
કાસગંજના એડિશનલ એસપી પવિત્ર મોહન ત્રિપાઠીએ કહ્યું કે, લગ્નના રિવાજો પૂરા થયા ત્યાં સુધી પોલીસ હાજર રહી હતી. પોલીસકર્મીઓની નજર ગામમાં થઈ રહેલી ગતિવિધિઓ પર હતી. નવોઢાની વિદાય સુધી નિજામપુર ગામમાં પૂરતી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. સંજય જાટવ અને શીતલના લગ્ન ઘણા દિવસથી અહેવાલોમાં છે. તેના માટે સંજયે ઈલાહાબાદ હાઈકોર્ટ સુધીનો દરવાજો ખખડાવ્યો હતો.
લગ્ન થઈ ગયા બાદ નવોઢાના પરિવારજનો ખુશ હોવાની સાથે સાથે ભયમાં પણ છે કારણ કે ગામના ઠાકુરોએ પરિવારજનોને જોઈ લેવાની ધમકી આપી હતી. નિજામપુર ગામમાં ૪૦ ઠાકોર પરિવાર અને ૫ પરિવાર જાટવના રહે છે. આ ગામમાં આજ સુધી દલિતોનો વરઘોડો નીકળ્યો નથી. બન્ને જાતિના લોકો માટે અહમનો વિષય બની ગયો છે. એટલા માટે, નવોઢાની વિદાય બાદ પણ પ્રશાસનને રાહતનો શ્વાસ મળ્યો નથી.