(એજન્સી) લખનઉ, તા. ૧૦
હરિયાણામાં ભાજપ નેતાના પુત્રની છેડતી કેસમાં ધરપકડ થયા બાદ હવે યુપીમાં ભાજપના એક નેતાનો પુત્ર પોલીસના શકંજામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના બલિયામાં એક ૧૭ વર્ષની યુવતીનો પીછો કરી તેની હત્યા કરવાના આરોપમાં એક ભાજપના નેતાના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. મૃતકની બહેને આરોપ લગાવ્યો છે કે, આશરે ૫૦ લોકોની સામે તેની બહેનનું ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના એક ગામની છે. આરોપીઓમાં ગામના પ્રમુખ અને ભાજપ નેતા કૃપાશંકર તિવારીનો ૨૨ વર્ષનો પુત્ર પ્રિન્સ તિવારી પણ સામેલ છે. પ્રિન્સે ૧૨મા ધોરણથી ભણવાનું છોડી દીધું હતું અને કોઇ કામ કરતો નહોતો. પોલીસે પ્રિન્સ અને તેના મિત્ર રાજુ યાદવને પકડી પાડ્યા છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. પ્રિન્સને છ મહિના પહેલા આ જ વિદ્યાર્થીનીનો પીછો કરવાને પગલે એન્ટી રોમિયો સ્કવોડે ચેતવણી આપી હતી.
મળતી માહિતી અનુસાર ૧૭ વર્ષની વિદ્યાર્થીની રાગિણી દૂબેના ગામના જ ચાર યુવકોએ કથિત રીતે હત્યા કરી હતી. પરિવારનો દાવો છે કે, પાછલા છ મહિનાથી પણ વધુ સમયથી આરોપી યુવતીનો પીછો કરી તેની છેડતી કરતો હતો. પરિવારે સખત કાર્યવાહી વિના અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. રાગિણી મંગળવારે સાઇકલ લઇ સ્કૂલ જઇ રહી હતી. ત્યારે બે મોટરસાઇકલ પર સવાર ચાર યુવકોએ તેનો પીછો કર્યો હતો. ચારેયે વિદ્યાર્થિનીને પહેલા પકડીને નીચે ફેંકી દીધી હતી. બાદમાં ચાકુથી ગળું કાપી નાસી ગયા હતા. વિદ્યાર્થીનીને તરત જ હોસ્પિટલ લઇ જવાઇ હતી પરંતુ ત્યાં તેને મૃત ઘોષિત કરાઇ હતી. જે સમયે રાગિણીની હત્યા થઇ તે સમયે તેની નાની બહેન તેની સાથે હતી. પોલીસ અનુસાર પ્રમુખના પુત્ર પ્રિન્સ તિવારીને પકડી પાડવામાં આવ્યો છે અન્ય ત્રણ આરોપી હાલ ફરાર છે. વરિષ્ઠ પોલીસ અધિકારી વિજય પાલે જણાવ્યું હતું કે, યુવતીનું ગળુ કોઇ ધારદાર હથિયારથી કાપવામાં આવ્યું છે. આ કેસમાં વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. યુવતીની માતાએ જણાવ્યું કે, અમારા ઘરની સામે એક હેન્ડપંપ લાગેલું છે અને આ ચારેય અહીં બેસી મારી પુત્રી અંગે અશ્લીલ ટીપ્પણી કરતા હતા.