(એજન્સી) તા.૧૦
તાજેતરમાં ઉત્તરપ્રદેશના મિરઝાપુરમાં એક સરકારી પ્રાથમિક શાળામાં ભોજપુરી ગીતો પર ડાન્સ કરતી ઓરકેસ્ટ્રાની છોકરીઓનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ ડાન્સ પાર્ટીનું આયોજન સ્થાનિક ગામના સરપંચના જન્મદિવસના અવસરે કરવામાં આવ્યું હતું. બીજી બાજુ વીડિયો જાહેર થયા બાદ બીએસએએ દોષીઓ સામે કાર્યવાહી હાથ ધરવાની વાત સ્વીકારી લીધી છે. આ ઘટના જમાલપુર પોલીસમથક હેઠળ આવતાં તેતરિયા ગામની છે. જ્યાં રક્ષાબંધનની રાત્રિએ પ્રાથમિક સ્કૂલમાં પ્રધાનો દ્વારા ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ ડાન્સ પાર્ટીમાં આજુબાજુના બે ડઝનથી વધુ પ્રધાનો અને લોકો હાજર હતા. આ વીડિયોમાં દેખાય છે કે શિક્ષણના મંદિરમાં જાહેરમાં અશ્લીલ ડાન્સનું આયોજન કરાયું હતું અને ત્યાં હાજર લોકો તેમના પર પૈસા પણ લૂંટાવી રહ્યા હતા. આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ કહે છે કે ગામના સરપંચે સ્કૂલની ચાવી લઇ લીધી હતી. તેના બાદ જ્યારે એ લોકો સવારે સ્કૂલે આવ્યા તો સ્કૂલમાં ગમે ત્યાં ગંદકી ફેલાયેલી જોઇ હતી. બીજી બાજુ વીડિયો સામે આવ્યા બાદ બીએસએએ પણ દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી છે. ગામના સરપંચનું નામ રામકેશ યાદવ જણાવાયું છે કે જે આ પાર્ટીનો આયોજક છે. અશોક કુમારના આસિસ્ટન્ટ શિક્ષકે આ મામલે બીઇઓને ફરિયાદ કરી છે. બેઝિક શિક્ષણ અધિકારી પ્રવીણ કુમાર તિવારીએ કહ્યું કે અશોક કુમારે આ અંગે મને ફરિયાદ કરી છે કે ગામના સરપંચ રામકેશ યાદવ દ્વારા રાત દરમિયાન સ્કૂલમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખરેખર વાંધાજનક પગલું છે. તેમણે આ અંગે પ્રોપર રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ રિપોર્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ મુખ્ય વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે રામકેશ યાદવે પાર્ટીનું આયોજન કરવાનું સ્વીકારી લીધું છે પણ તે કહે છે કે હું આ પાર્ટીમાં હાજર નહોતો. તે કહે છે કે આ સમયે તે પાડોશી ગામમાં સંબંધીને ત્યાં ગયો હતો.