સ્ક્રૂ ડ્રાઈવર ભોંકીને રહેંસી નાખી ઉત્તર પ્રદેશના મુસ્લિમ પશુ ટ્રેડરની હત્યા થઈ હતી

(એજન્સી) હાપુડ, તા.ર૭
ગત સપ્તાહે ઉત્તર પ્રદેશના હાપુડમાં ટોળાની બર્બરતાનો ભોગ બનેલા ૪પ વર્ષીય પશુ ટ્રેડર મુહમ્મદ કાસીમના ઓટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે મોત પહેલાં મુહમ્મદ કાસીમ પર ખૂબ અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા કહેવાતા ગૌરક્ષકો દ્વારા કલાકથી વધુ સમય સુધી કાસીમને સ્ક્રૂ ડ્રાઈવર્સ ભોંકવામાં આવ્યા હતા અને તેમની ચામડી પણ ઊતારી લેવામાં આવી હતી.
કાસીમની ઓટોપ્સી રિપોર્ટના આધારે સ્પષ્ટ થાય છે કે ટોળા દ્વારા તેમની પર કેટલા ભયંકર જુલ્મો ગુજારવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ મૃત હાલતમાં હોસ્પિટલ લવાયેલા કાસીમને ૧૮ આંતરિક ઈજાઓ થઈ હતી. તેમના પગ હાથ અને ઘૂંટણના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી. તેમના પીઠના ભાગે ઉઝરડા જોવા મળ્યા હતા, તેમની પાંસળીમાં ફ્રેક્ચર હતું, તેમના ખભા, ઘૂંટણ, પેટ અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોથી મારના નિશાન હતા હેમરેજ અને આઘાતના કારણે તેમનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ મુજબ કાસીમને ખૂબ જ વજનદાર વસ્તુથી ફટકારવામાં આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયારોથી તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. મોતનું કારણ આઘાત હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. સરસ્વતી હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે કાસીમના ગુપ્ત ભાગો પર પણ ઈજાના નિશાન હતા. તેમના ગુપ્ત ભાગે ઘણી લાતો મારવામાં આવી હતી હુમલાની જગ્યા બાજહેરા ખુર્દ ગામમાં ખેતરમાં કામ કરી રહેલા સમીઉદ્દીને કાસીમને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ટોળાએ તેમને પણ માર માર્યો હતો. આ ઘટનાના વાયરલ થયેલા બીજા વીડિયોમાં બળપૂર્વક કાસીમને કબૂલ કરવા કહેવાયું હતું કે તેમણે કતલ કરી છે. કાસીમની મદદ માટે આવેલા સમીઉદ્દીન પર પણ ટોળાએ હુમલો કરતાં તેમને મલ્ટીપલ ફ્રેકચર થતાં હાપુડની હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાસીમના પરિવારમાં તેમની પત્ની અને પાંચ બાળકો છે જેમને આવકનો કોઈ સ્ત્રોત નથી. તેઓ નાનકડા ઘરમાં મકાન ભાડે રાખી રહે છે અને ઘરમાં માત્ર બે ખુરશીઓ જ છે

હાપુડ ઘટનાની ફરિયાદ નોંધાવનારી વ્યક્તિનો અનુરોધ, FRIમાં
સચ્ચાઈ સામેલ કરો નહીંતર સુનાવણી વખતે જ કેસ પડી ભાંગશે

(એજન્સી) હાપુડ, તા.ર૭
ઉત્તર પ્રદેશના હાપુડમાં ગૌહત્યાના નામે મુસ્લિમ પશુ ટ્રેડરની થયેલી હત્યા મામલે ફરિયાદ નોંધાવનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે પોલીસે એફઆઈઆરના તથ્યો સુધારવા જોઈએ નહીંતર પ્રથમ સુનાવણીમાં જ કેસ પડી ભાંગશે.
કહેવામાં ગૌરક્ષકો દ્વારા જ્યારે ૪પ વર્ષીય મુહમ્મદ કાસીમ પર કાયરપૂર્ણ હુમલો કરાયો ત્યારે નજીકમાં કામ કરી રહેલા ૬ર વર્ષીય સમીઉદ્દીન ખાન તેમને બચાવવા વચ્ચે પડતા ટોળાએ તેમને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાની ફરિયાદ ખાનના ભાઈ યાસીન ખાને નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસે એફઆઈઆરમાં તથ્યો સુધારી તેમના ભાઈનું નિવેદન નોંધવું જોઈએ.
યાસીનખાને આરોપ લગાવ્યો હતો કે ઉત્તરપ્રદેશ પોલીસે એફઆઈઆરમાં ખોટા તથ્યો નોંધ્યા છે. પોલીસે ખોટા નિવેદનોના આધારે એફઆઈઆર તૈયાર કરી છે. પોલીસ મારા ભાઈનું નિવેદન નોંધશે તો જ સચ્ચાઈ બહાર આવશે. જો પોલીસ ફરિયાદમાં સચ્ચાઈને સામેલ નહીં કરે તો સુનાવણી વખતે જ આ કેસ રફે દફે થઈ જશે. સમીઉદ્દીન હાલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. તેમના પરિવાર પાસે સારવારના પણ પૈસા ન હોવાથી હોસ્પિટલને બિલ બાકી રાખવા વિનંતી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks