ગુજરાતમાં થોડેક અંશે સુધરતી ભાજપની સ્થિતિ વચ્ચે UPનો લાભ લેવા વહેલી ચૂંટણી !

(સંવાદદાતા દ્વારા)  ગાંધીનગર,તા.૧૩

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં શાનદાર દેખાવ સાથે ભાજપએ સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત કરી દીધું છે, ત્યારે છેલ્લા એકાદ વર્ષથી ગુજરાતમાં પક્ષની સ્થિતિ નબળી પડવા સાથે કાર્યકરોમાં નિરૂત્સાહી વલણ જોવા મળી રહ્યું હતું, તેમાં એક નવો જોમ અને ઉત્સાહ  ઉભો થવા પામ્યો છે. ઉત્તરપ્રદેશના પરિણામોની તો ખુદ ભાજપના મોવડીઓને પણ કલ્પના નહીં હોય તેવી જવલંત સફળતા હાંસલ થઈ છે. હવે ભાજપ મોવડી મંડળે ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો  છે. ગુજરાતની છેલ્લા કેટલાક સમયની જેમાં વિવિધ સામાજિક આંદોલનો, વિરોધીબળો નલિયાકાંડ જેવા બનાવો સહિતના પરિબળો વગેરે જોતા અને બીજી તરફ ઉત્તરપ્રદેશની જવલંત સફળતાને પગલે દેશભરમાં ભાજપ તરફથી ઉભા થયેલા  મોજાનો લાભ લઈ લેવા માગતુ ભાજપ ગુજરાતમાં નિયત સમય કરતા  વહેલી ચૂંટણીઓ યોજવા કમર કસી રહ્યું હોવાનું ઉચ્ચ સૂત્રો પાસેથી  જાણવા મળી રહ્યું છે. ભલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી પરિણામના તા.૧૧મી માર્ચના દિવસે વહેલી ચૂંટણીઓ નકારી કાઢી પરંતુ ભાજપ મોવડી મંડળની  હિલચાલ અને કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા હાથ ધરાયેલ  ચૂંટણી કામગીરી જોતા રાજયમાં વહેલી ચૂંટણીઓની શકયતાને બળ મળે છે.

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ તથા મણિપુરમાં ભાજપની સ્થિતિ પરિણામોને પગલે વધુ મજબૂત બની છે, તો દેશના અન્ય રાજયોમાં પણ તેની સારી અસરો જોવા મળે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. રાજયમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયમાં શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન અને તે બાદ એક પછી એક  શરૂ થયેલા સામાજિક આંદોલનો તથા દલિતકાંડ, નલિયા દુષ્કર્મ કાંડ સહિતના વિવિધ બનાવોએ ભાજપની સ્થિતિનું રાજયમાં ધોવાણ સર્જયું છે. આનંદીબહેનના  સમયથી ચાલી રહેલો સિલસિલો વર્તમાન સરકારમાં પણ જારી રહેવા પામ્યો છે. જેમાં ફિકસ પગાર વાળા કર્મીઓ, આશા વર્કરો તથા તેડાગર બહેનો, બોર્ડ-નિગમના સાતમાં પગારથી વંચિત કર્મીઓ,  એસ.ટી.ના હડતાળ પર જવા  તૈયાર કર્મીઓ સહિતના ફેકટર સરકાર વિરોધી અસરો ઉભી કરી રહ્યા છે.  ત્યારે સરકાર વિરુધ્ધ એન્ટી ઈન્કમલન્સી ફેકટર મજબૂત બની રહ્યું હોય તેમ કહી શકાય. આ પ્રમાણેના રાજયમાં ભાજપ સરકાર  સામે હાલમાં પડકારો ઉભા છે તેમાં સ્થિતિ સુધારવાના વિજય રૂપાણી સરકાર પ્રયાસો કરી રહી છે અને તેના ભાગ રૂપે જ તાજેતરમાં  કરવેરા વિનાનું ચૂંટણીલક્ષી બજેટ જાહેર કરવા ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સાથે ભાજપ સંગઠન પણ  ચૂંટણી તૈયારી રૂપે રાજયભરમાં કામગીરીમાં લાગી ગયું છે અને આ બધા પ્રયાસોના ફળરૂપે થોડે ઘણે અંશે ભાજપની સ્થિતિ સુધરી રહી છે, ત્યારે યુ.પી. ઉત્તરાખંડના જવલંત પરિણામોને કારણે ઉભા થયેલા ભાજપ તરફી મોજાનો લાભ લઈ ગુજરાતનો ગઢ જીતી લેવાનો મોવડી મંડળે નિર્ણય કર્યો હોવાનું અને તે માટે વધુ વિલંબના નુકસાનનું જોખમ લેવા કરતા વહેલા ચૂંટણી યોજી લાભ ખાટવા ભાજપ હાઈકમાન્ડ તૈયાર થયું હોવાનું ઉચ્ચ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.  વહેલી ચૂંટણીનો નિર્ણય  અમલમાં  મુકતા પહેલા રાજય સરકારને ફટાફટ બાકી રહેલા કામો પૂર્ણ કરવા સાથે પ્રજાલક્ષી નિર્ણયો લેવા અને ભાજપ સંગઠનને સમગ્ર રાજયમાં ગામે-ગામ સુધીની ચૂંટણી તૈયારી અંગેની રણનીતિ તૈયાર કરી દેવાની રહેશે તે પછી જ  ચૂંટણીઓ યોજવામાં આવશે  એટલે કે આ બધી કામગીરી જોતા ત્રણ-ચાર માસ પછી ચૂંટણી યોજાવાની શકયતાઓ જોવાય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts