(એજન્સી) નવી દિલ્હી, તા.ર
સુપ્રીમકોર્ટે ગુરૂવારે દિલ્હીના ઉપરાજ્યપાલ સામેની અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે ઉપરાજ્યપાલ સરકારના વહીવટી નિર્ણયોની ફાઈલો દબાવી રાખી શકે નહીં. દિલ્હી સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો જેમાં હાઈકોર્ટે ઉપરાજ્યપાલને દિલ્હીના વહીવટી વડા ગણાવ્યા હતા. સુપ્રીમકોર્ટે કહ્યું કે ઉપરાજ્યપાલે તેમની સત્તાનો દુરૂપયોગ યોગ્ય સમયે કારણો બતાવી કરવો જોઈએ. સુપ્રીમકોર્ટે આ કેસ ફેબ્રુઆરીમાં બંધારણીય ખંડપીઠને સોંપ્યો હતો. દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર સાથે કેટલાક વહીવટી સંઘર્ષ બાબતે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બંધારણીય ખંડપીઠ સમક્ષ સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડે નોંધ્યું હતું કે, ઉપરાજ્યપાલે તેમના નિર્ણય અંગે યોગ્ય કારણ સમયસર બતાવવું જોઈએ. દિલ્હી સરકારે કોર્ટને કહ્યું કે કેન્દ્ર સરકાર ઉપરાજ્યપાલ અનિલ બૈઈજલ દ્વારા તેની વહીવટી કામગીરીને ખોરવી નાંખે છે. ઉપરાજ્યપાલે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે કે કોઈપણ અમલદાર મુખ્યમંત્રી કેજરીવાલ કે અન્ય મંત્રીઓની સૂચનાઓનું પાલન કરતા નથી. સુપ્રીમકોર્ટે ઉપરાજ્યપાલના પોલીસ, જમીન અંગેના અને જાહેર હુકમોની સત્તાને દોહરાવી હતી. ભારતના બંધારણે ૧૯૯૧માં ૬૯માં સુધારા સાથે ર૩૯(એએ) હેઠળ દિલ્હીને રાજ્યનો દરજ્જો આપી વિધાનસભા આપી છે.