(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૮
૮૦ વર્ષીય નામાંકિત ઉર્દૂ શાયર અસરાર જમઇની ખરાબ પરિસ્થિતિ છે અને ગરીબીને કારણે તેઓ ભૂખે મરી રહ્યા છે. તાજેતરમાં જ એક કારે ટક્કર મારતા જમઇના હાથમાં ફ્રેક્ચર થયું છે. ડોક્ટરોએ તેમને હાથના ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી પરંતુ વૃદ્ધાવસ્થા અને નાણાના અભાવને કારણે તેઓ ઓપરેશન કરાવી શક્યા નથી. મૌલાના આઝાદ યુનિવર્સિટીના ચાન્સલર ફિરોઝ બખ્તે આ મહાન શાયરની મદદ કરવા માટે આગળ આવવાની લોકોને અપીલ કરી છે.
જમઇની ખરાબ પરિસ્થિતિ વિશે જાણીને મૌલાના આઝાદ યુનિવર્સિટીના ચાન્સલર ફિરોઝ બખ્તે ઉર્દૂ શાયર સાથે મુલાકાત કરી હતી. ફિરોઝ બખ્તે જોયું કે ઘણા દિવસોથી કશું જ ખાધું નહીં હોવાથી જમઇ બહુ નબળા થઇ ગયા છે અને અશક્તિને કારણે તેઓ ચાલી પણ શકતા નથી. ફિરોઝ બખ્તે તેમને ખવડાવ્યું અને જ્યુસ પીવડાવ્યો. બખ્તે કહ્યું કે જમઇ એકલા હોવાથી તેમની હાલત દયનીય છે. તેની દેખભાળ કરનાર કોઇ નથી અને ભાડાની એક નાનકડી ઓરડીમાં તેઓ રહે છે. તેમની શેરવાની પણ જૂની અને ફાટી ગયેલી છે. તેમના નવા પબ્લિશ થયેલા પુસ્તકોના ઢગલા પર ધુળ ચડી ગઇ છે. તેમના ભાઇએ તેમની સાથે દગો કરીને તેમની સંપત્તિ પચાવી પાડી છે. શાયરની આર્થિક સ્થિતિ સારી હતી ત્યારે તેમણે તેમની ભત્રીજીઓને પણ સહાય કરી હતી પરંતુ આજે બધા તેમને મદદ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. કેજરીવાલ સરકારે તેમને મૃત જાહેર કરીને તેમનું પેન્શન પણ બંધ કરી દીધું છે. સ્થાનિક ધારાસભ્યે પણ શાયર જમઇની કોઇ સહાય કરી નથી. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ બાબત છે કે ઉર્દૂ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર શાયર તરફ આજે ઉર્દૂ પ્રેમીઓ જરાય પણ ધ્યાન આપી રહ્યા નથી. તેમને વૃદ્ધ ગણીને હવે કોઇ મુશાયરામાં પણ તેમને આમંત્રણ આપવામાં આવતું નથી. જમઇને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો.