
ભરૂચ,તા.૯
ભરૂચી વહોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શરૂ કરાયેલ ‘રાહત મેડિકલ’ (નહીં નફો નહીં નુકસાન)ના ઈફતેતાહ પ્રસંગે ભરૂચ વહોરા પટેલોની એક જાહેર સભા ભરૂચની ડેન્ટલ કોલેજના સામેના સિલ્વરમુન કોમ્પલેક્ષ ચોકમાં રવિવારે ૧૦.૩૦ કલાકે વિશાળ જનમેદની; સમાજના ગૌરવસમા મહાનુભાવોની હાજરીમાં ગુજરાત રાજ્ય સરકારના કાયદા મંત્રાલયના ઉપસચિવ એવા ઉસ્માનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ.
એ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતાં ઉસ્માનભાઈ પટેલ જણાવ્યું કે, આપણા વડવાઓએ ખૂબ મહેનત કરીને આપણને ઉછેર્યા ભણાવ્યા છે. તેમના સમયમાં શિક્ષણ માટે આજના જેવી સુવિધાઓ ન હતી, છતાં આપણને ભણાવ્યા. હવે આપણી ફરજ છે કે, ફક્ત આપણે જ નહીં સમગ્ર વહોરા પટેલ સમાજ અન્ય મુસ્લિમભાઈઓ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ, દેશની પ્રગતિમાં આગળ વધે. ભરૂચ વહોરા પટેલોની આ સંસ્થા દ્વારા ‘રાહત મેડિકલ’ની શરૂઆત કરી ગરીબ દર્દીઓને નહીં નફો, નહીં નુકસાનના ભાવે દવાઓ વેચવાની કામગીરી શરૂ કરી તેને બિરદાવું છું, આવકારું છું. સમાજે જાગૃત થવાની જરૂર છે. ખાસ તો વક્ફની મિલક્તોની જાળવણી બાબતે. હું ગુજરાત વક્ફ ટ્રિબ્યુનલ બોર્ડનો મેમ્બર છું એ નાતે મને ખબર છે કે, હજી આજની તારીખે પણ જે મિલક્તો ધાર્મિક ટ્રસ્ટોને દાનમાં અપાઈ છે તે મિલક્તો જે-તે વક્ફ ટ્રસ્ટોના નામે ચઢી નથી. આ અંગે તેમણે જરૂર પડે તેમનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા પણ શ્રોતાગણને જણાવ્યું હતું.
ભરૂચી વહોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને તસ્બીહના મણકાઓની જેમ પરોવાયેલા રાખવાનું શ્રેય જેમને જાય છે એવા યુનુસભાઈ પટેલે સમાજને સંગઠિત રહીને પ્રગતિના માર્ગે આગળ વધવા આહ્વાન કર્યું હતું.
ભરૂચી વહોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટની મેડિકલ ક્ષેત્રે શરૂ કરેલી પહેલને બિરદાવતાં ‘ગુજરાત ટુડે’ના તંત્રી-સાહિત્યકાર અઝીઝ ટંકારવીએ કહ્યું કે, ‘રાહત મેડિકલ’એ ઉમદા કામ છે. પણ આપણે આવા ચેઈન રાહત મેડિકલ સ્ટોર્સ દરેક તાલુકા ક્ષેત્રે ગોઠવવા પડશે. એ જ રીતે યુવા તેમજ સામાજિક કામ કરનારાઓ પર આવી પડતી આફત વેળા તેમને લીગલ એઈડ (કાનૂની મદદ) આપવાની, વિદ્યાર્થીઓને ધો.૧ર પછી શું ? માટે કાઉન્સેલીંગ વગેરે માટે ટ્રસ્ટ આગળ વધે, સમાજ જરૂર સાથ આપશે. વહોરા પટેલ સમાજના સંગઠનો અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, મુંબઈમાં છે ત્યારે રાજ્યકક્ષાની એક અમ્બ્રેલા સંસ્થા બનાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. ને સમાજે પોતાના ભવ્ય ભૂતકાળ અને હવે પછી આગળ વધવા માટે મહેક ટંકારવી, અદમ ટંકારવી, ઈમ્તિયાઝ પટેલ, સિરાજ પગુથણવાલા, સૂફી મનુબરી, અઝીઝ ટંકારવીએ મળીને તૈયાર કરેલ પુસ્તક ‘ભરૂચી વહોરા પટેલની દશા અને દિશા’ પુસ્તક ખાસ વાંચી માર્ગદર્શન મેળવવા આગ્રહ કર્યો હતો. સમાજની સાહેબે માલ વ્યક્તિઓને આહ્વાન કરતાં કહ્યું કે જે સંસ્થાઓ સમાજહિતનું કામ કરે છે તેમને ચેરીટી કરી અલ્લાહની રજામંદી પ્રાપ્ત કરવા તેમણે અપીલ કરી હતી; ટ્રસ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂર્વ આસિ.કમિશ્નર ગુજરાત સરકારમાં કામ કરી ચૂકેલા મુસ્તાકભાઈ ઘોડીવાલાએ જણાવ્યું કે, આપણો સમાજ સુખી સંપન્ન ત્યારે જ ગણાય જ્યારે આપણે સમાજના જ ૧પ ટકાથી વધુ વંચિત વર્ગને પણ મદદરૂપ થઈએ. તેમણે પોતાના તરફથી ટ્રસ્ટને દાનની સહાય કરી પોતે સંસ્થા સાથે સાથ-સહકારમાં રહેવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે ડો.વસીમ રાજે તેમના મનનીય વક્તવ્યમાં કહ્યું હતું કે, આપણા છોકરા-છોકરીઓ ફક્ત મેડિકલ, એન્જિ., ફાર્મસીમાં જ ન જતાં IAS, IPS કે UPSCની એકઝામ પાસ કરી સમાજની, દેશની સેવા કરવી જોઈએ. કંપનીની તથા જેનરીક દવા અંગે પણ તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
ખૂબ જ ટૂંકી છતાં ચોટદાર વાત કરતાં લેસ્ટર (યુ.કે.)થી પધારેલા સાજીદભાઈ કોન્ટ્રાક્ટરે કહ્યું કે, ટ્રસ્ટમાં કામ કરતા મિત્રોને સહકાર આપજો, ન અપાય તો ચિંતા નહીં પણ ટાંગ ન અડાવશો. તેમને સારી રીતે કામ કરવા દેજો. ‘મેડિકલ રાહત’માં તેમણે અઢી લાખના માતબર દાનની જાહેરાત કરી હતી.
ઈકબાલભાઈ પાદરવાલાએ ખૂબ જ ટૂંકા પ્રવચનમાં લોકોના ટ્રસ્ટ માટે સાથ-સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.
ટ્રસ્ટના યુવા કાર્યકર એવા મહંમદભાઈ લાલાએ ટ્રસ્ટની કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. ભાવિ એજન્ડામાં સમાજના વિદ્યાર્થીઓને ટ્રસ્ટ તરફથી ખાસ ટ્યુશન આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાહત મેડિકલ માટે અમે લોકોથી કોઈ જ મદદ લીધી નથી. તેમણે વિવિધ ક્ષેત્રોમાં ટ્રસ્ટની સેવા મળે તેવું આયોજન કરવા ટ્રસ્ટ વતી જણાવ્યું હતું.
આ પ્રસંગે સમાજના નામી ડોક્ટરો ડો.અબ્બાસ માલજીવાલા, ડો.સુહૈલ વાજા, ડો.મિન્હાજ પટેલ; સામાજિક કાર્યકરો, આગેવાનોમાં આદમભાઈ આબાદનગરવાલા, સલીમભાઈ અમદાવાદી, સાદિકભાઈ સાલેહ, દિલાવરભાઈ બચ્ચા, મૌલાના હબીબુરરહેમાન મતાદાર (ઈકરા સંકુલ) સુલેમાન પટેલ જોલવા, કમરૂજજમા મુન્શી, સઈદભાઈ કંબોલી જેવા અનેક અગ્રણીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફર સંચાલન ફારૂકભાઈ વોરા સમની (સબ રજિસ્ટ્રાર-આમોદ)એ કર્યું હતું. જ્યારે સભાના પ્રમુખની દરખાસ્ત તથા આભારવિધિ સરસ રીતે મજીદભાઈ અંભેરિયાએ કરી હતી. યુસુફભાઈ જેટ અને અન્ય યુવાઓએ સમગ્ર પ્રોગ્રામની વ્યવસ્થામાં ચાર ચાંદ લગાડી દીધા હતા.
આ પ્રસંગે હાજર સદ્ગૃહસ્થોમાંથી ઘણાંએ પોતાના તરફથી દાનની જાહેરાત કરી હતી એ સૌના નામો કાર્યક્રમ દરમિયાન ફારૂકભાઈએ જણાવ્યા હતા જેને લોકોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.