
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં તાંડવ સર્જતા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, ડીસા, લાખણી, થરાદ, સુઈ, દાંતીવાડામાં તબાહી મચી ગઈ હતી. ચોતરફ પાંચથી ૧પ ફૂટ પાણી ફરી વળતા એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ સાથે લશ્કરની મદદ માગવામાં આવી હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવને લીધે ચોતરફ તબાહી જેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા હતા તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
છેલ્લા ર૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર અને સાંબેલાધાર વરસાદથી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના હાલ બેહાલ થઈ ગયા છે. ધાનેરામાં તો ૧પ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં આખું નગર ગરકાવ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી સ્થાનિકોએ જાતે ટ્રક અને ટ્રેક્ટરો દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા તો તંત્રએ પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત હેલિકોપ્ટર ભરીને રાહત સામગ્રી ધાનેરામાં પહોંચતી કરવામાં આવી હતી.
દાંતીવાડામાં ર૪ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ તૂટી પડતાં સીપુ નદીના દાંતીવાડા ડેમના અને સ્પીલ બે ડેમના દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ભારે વરસાદ અને પૂરના પાણી ફરી વળતા સાંતલપુર, રાધનપુર, અમીરગઢના ૧૮ ગામના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત અનેક ગામડાઓ સંપર્કવિહોણા બનતા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. બચાવ કામગીરી માટે હોડીઓ, હેલિકોપ્ટર, લાઈફ જેકેટ સાથે એનડીઆરએફ, એસડીઆરએફ, બીએસએફ, એરફોર્સના જવાનોની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ છે. હજી પણ અનેક ગામોમાં લોકો ફસાયા છે પરંતુ તંત્ર પહોંચી શક્યું નથી. ઉત્તર ગુજરાતમાં ઉપરવાસમાં પડેલા વરસાદ અને આકાશમાંથી આફત ઉતરતા માનવ અને હજારો પશુઓના જીવને જોખમ ઊભું થયું છે. પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ ભારેથી અતિભારે પથી ૧પ ઈંચ વરસાદ નોંધાયો છે. પરંતુ આ જિલ્લાના તાલુકાઓમાં બનાસકાંઠા જિલ્લા કરતા ઓછું નુકસાન થયું હોવાના અહેવાલ છે છતાં ઘરો અને દુકાનોમાં ફરી વળેલા પાણીને લીધે નુકસાનીનો આંક વધી શકે છે.
પાટણ જિલ્લાના સાંતલપુરમાં પૂરથી પરિસ્થિતિ સર્જાતા ૬ ગામોના પ૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. કાંકરેજના સમનવા ગામે બ્રિજમાં ભરાયેલા પાણીમાં ટ્રેક્ટર ફસાતા ૮ લોકો ફસાયા હતા તેમને બચાવી લેવાયા હતા. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ખેડવા ડેમના ર દરવાજા ખોલતા હરણાવ નદીમાં ઘોડાપૂર આવતા ફસાયેલા ૩ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. પાલનપુર અને મહેસાણામાં એનડીઆરએફની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણી છોડવામાં આવતા બ્રિજનું કામ કરી રહેલા ત્રણ કર્મચારીઓ ફસાયા હતા. જેમને ફાયરબ્રિગેડે બચાવી લીધા હતા.
આમ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વરસાદે ભારે તબાહી મચાવતા મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો અને વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લામાં દોડી ગયું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરાવી છે.