(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દુ રાવત જનતા દરબારમાં લોકોની ફરિયાદો સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક એક શાળાની પ્રિન્સીપાલે જાહેરમાં અભદ્ર વર્તન કરી મુખ્યમંત્રીને અપશબ્દો બોલ્યા ત્યારબાદ મુખ્યમંત્રીએ તેણીને સસ્પેન્ડ કરી ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. પ૭ વર્ષની મહિલા તેની દૂર ગામડામાં બદલી કરાવવાનો વિરોધ કરવા મુખ્યમંત્રીના દરબારમાં પહોંચી હતી. મહિલા પ્રિન્સિપાલનું નામ ઉત્તરા બહુગુણા છે અને તે નૌગાંવની રહેવાસી છે. મહિલાએ તેની બદલી દૂરના ગામડામાં કરવાનો વિરોધ કર્યો ત્યારે મુખ્યમંત્રીએ તેની અપીલ ફગાવી દીધી હતી. મહિલાએ ઉશ્કેરાઈ જઈ મુખ્યમંત્રીને ખુલ્લેઆમ અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવાઈ હતી. જેનો વીડિયો વાયરલ થયો ત્યારબાદ તેની આલોચના થઈ.
મુખ્યમંત્રીએ કહ્યું કે જનતા દરબાર લોકોની સમસ્યાઓ સાંભળવાના માટે લગાવાય છે. કર્મચારીઓની બદલી ટ્રાન્સફર એકટ મુજબ થાય છે. બહુગુણાએ અપશબ્દો બોલ્યા હતા. તેથી સસ્પેન્ડ કરાયા છે. મહિલાએ કહ્યું કે મને આ વર્ષથી દૂરના વિસ્તારોમાં રખાઈ છે. પતિના મૃત્યુ બાદ બાળકોની દેખરેખની સમસ્યા હતી. ઉંમર વધતા દૂરના ગામોમાં કામ કરવાનું મુશ્કેલ બન્યુ છે. મહિલાની મુખ્યમંત્રી સાથે ચકમક થયા બાદ તેને સસ્પેન્ડ કરાઈ હતી.
વિધવા શિક્ષિકા રડતાં રડતાં બોલી મારા
પતિ નથી એટલે મને કોઈ પૂછતું નથી
(એજન્સી) દહેરાદૂન, તા.ર૯
એક તરફ વડાપ્રધાન મોદી બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન ચલાવે છે તો બીજી તરફ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતના જનતા દરબારમાં રજૂઆત કરવા આવેલી મહિલાને મુખ્યમંત્રીએ બહાર લઈ જવા આદેશ કર્યો ત્યારે મહિલાએ ગુસ્સામાં આવી કહ્યું કે શું હું કોઈ ગઈ ગુજરી ચીજ છું ? મને કોઈ પૂછવાવાળું નથી, મારો ભાઈ કે પતિ નથી. તે સાથે જ મહિલા કેમેરા સામે રડી પડી. મહિલા શિક્ષિકાનું અપમાન થતાં જવાબ આપ્યો. ભ્રષ્ટાચારીઓએ અન્યાય કર્યો તો સવાલ કેમ ન ઉઠાવ્યો ? ચોરને ચોર કહીશ. ઈમાનદાર પર ગાજ પડી રહી છે. મારા બાળકો સાથે હું રહેવા માંગું છું. રપ વર્ષથી દુર્ગમ સ્થાનોમાં સેવા આપું છું. બદલી માટે જનતા દરબારમાં આવી છું. તો અપમાન સહવું પડયું. મારું સાંભળનાર કોઈ નથી. ન્યાય માટે આવેલી મહિલાને સસ્પેન્ડ થઈને જવું પડયું.