(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવતીકાલથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોઈ વહીવટીતંત્ર તેમજ ભાજપના સંગઠન દ્વારા પૂરજોશમાં ચાલતી તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે. તા.૭-૮ એમ બે દિવસમાં વડાપ્રધાન દ્વારકા, ચોટીલા, ભરૂચ, ગાંધીનગર, વડનગર સહિતના સ્થળોએ અનેક યોજનાઓ-પ્રોજેક્ટસના ખાતમુહૂર્ત-લોકાર્પણો કરશે. વડનગર, દ્વારકા ભરૂચ સહિતના નગરોમાં દિવાળી પહેલાં જ મોદીની મુલાકાતને લઈને પ્રકાશમય દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના પ્રવાસના તમામ સ્થળો-રૂટ ઉપર જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. ૭મી એ શનિવારે સવારે નવી દિલ્હીથી સીધા દ્વારકા જશે. દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરીને તેઓ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. ત્યારબાદ તેઓ ઓખા અને બેટદ્ધારકાને જોડતા સમુદ્ર પર ૯૬૨.૪૩ કરોડ ખર્ચે નિર્મિત થનારા ચાર માર્ગીય કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રીજના નિર્માણ કાર્યનો શિલાન્યાસ કરશે અને નાગરિકોને સંબોધન કરશે. નરેન્દ્ર મોદી દ્વારકાથી બપોરે ૧૨.૩૦ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પહોંચશે. ચોટીલા નજીક ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામનાર રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું મોદીના હસ્તે ભૂમિ પૂજન કરાશે. અમદાવાદ-રાજકોટ ૨૩૧.૩૧ કિ.મી લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું છ-માર્ગીકરણ રાજકોટ મોરબી રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાના કામનું ભૂમિપૂજન પણ કરાશે. તેઓ સુરસાગર ડેરીમાં ઓટોમેટિક દુધ પ્રોસેસીંગ અને પેકેજીંગ પ્લાન્ટનો આરંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરાશે. તેઓ સુરેન્દ્રનગર શહેરના ચાર ઝોનમાં દૈનિક પાણી વિતરણ યોજનાનું લોકાર્પણ કરશે. આ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ પણ ઉપસ્થિત રહેશે. નરેન્દ્ર મોદી ચોટીલાથી ગાંધીનગર પધારી નજીકના પાલજ ગામ પાસે ૩૯૭ એકર જમીનમાં નિર્માણ કરાયેલ આઈઆઈટી સંકુલ રાષ્ટ્રને અર્પણ કરશે. ડિજિટલ ઈન્ડિયાની પહેલ સ્વરૂપ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ૬ કરોડ નાગરિકોને ડિજિટલી સાક્ષર બનાવવા બેઝિક તાલીમ અપાઈ છે ત્યારે નરેન્દ્ર મોદી આઈઆઈટી પાસેથી ડિજિટલ સાક્ષરતા અભિનંદન સમારોહને પણ સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર સહિતના અગ્રણીઓ હાજર રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર, રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ગુજરાતની મુલાકાતના બીજા દિવસની શરૂઆત નરેન્દ્ર મોદી માદરે વતન-વડનગરથી કરશે. પ્રધાનમંત્રી બન્યા પછી સૌ પ્રથમ વાર વતનમાં પગ મૂકી રહેલ નરેન્દ્ર મોદી વડનગર જીએમઈઆરએસ મેડીકલ કોલેજનું લોકાર્પણ કરશે. વડનગરથી જ તેઓ હિંમતનગરની હોસ્પિટલ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. તેઓ આ પ્રસંગે મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત સઘન રસીકરણ અભિયાનનો પણ આરંભ કરાવશે. સાથોસાથ ફિમેલ હેલ્થવર્કર્સને આઈએમ ટેકો એપ્લીકેશન અને ટેબલેટ્સનું પણ વિતરણ કરાશે. ત્યારબાદ તેઓ વડનગરથી ભરૂચ જશે. ભરૂચમાં પ્રધાનમંત્રીના હસ્તે કલ્પસર પ્રભાગની ભાડભૂત બેરેજ યોજનાનો શિલાન્યાસ કરાશે. ભરૂચમાં જ વડાપ્રધાન મોદી જીએનએફસીના રૂા.૬૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટસના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.