અમરેલી, તા.૧૫
અમરેલીમાં ૧૭મીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્કેટયાર્ડ તેમજ ડેરીના ઉદ્ઘાટન પ્રસંગે આવી રહ્યા છે ત્યારે એક લાખની મેદની ભેગી કરી જાહેરસભાનું પણ આયોજન કરાયું છે. જે સભા સ્થળે આજે રાજ્યના ગૃહમંત્રી તેમજ રાજ્યના ડીજીપી તેમજ આઈબીના અધિકારીઓએ સભાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ગત લોકસભાની ચૂંટણી માટેના પ્રચારના છેલ્લા દિવસે નરેન્દ્ર મોદી અમરેલી આવ્યા બાદ તેવો વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત અમરેલી આવી રહ્યા છે ત્યારે ૧૫૦૦થી વધુ પોલીસ સ્ટાફ તેમના બંદોબસ્ત માટે તૈનાત કરી દેવાયો છે તા.૧૭/૯ના રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે નવા અધ્યતન માર્કેટયાર્ડના તેમજ અમર ડેરી અને આઈસ્ક્રીમ પ્લાન્ટ અને હની પ્લાન્ટના ઉદ્ઘાટન માટે પધારી રહ્યા છે. ઉદ્ઘાટન કાર્યક્રમો સાથે ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં એક લાખ મેદની ભેગી કરી જાહેરસભાનું પણ આયોજન કરાયું છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ રાજ્યના ડીજીપી ગીતા જોહરી તેમજ આઈબીના ડીજીપી શિવાનંદ, ઝા. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અમરેલી આવી પહોંચ્યા હતા. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે ઉદ્ઘાટન સ્થળ તેમજ ફોરવર્ડ સ્કૂલના મેદાનમાં જ્યાં જાહેરસભા થવાની છે તે સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા તેમજ સલામતી માટેની સૂચનો અને માર્ગદર્શન મેળવ્યું હતું. સભાસ્થળે અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ શહેર આંખુ પોલીસની છાવણીમાં ફેરવાયું છે.