પાલનપુર, તા.૧૭
વડગામ તાલુકાના ડાલવાણા ગામના યુવકનું અપહરણ કરી હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. વારવાડિયા ગામેથી મંગળવારના દિવસે એક જ સમાજના યુવક-યુવતી નાસી ગયા હતા. જેમને શોધવા માટે પરિવારજનો નીકળ્યા હતા. આ કિસ્સામાં નાસી ગયેલા યુવકના મામાના દીકરા વડગામ તાલુકાના ડાલવાણા ગામના કિરણ માનાભાઈ પરમાર (ઉ.વ.૧૮) પર શક હતો. દરમિયાન કિરણ સુરત ખાતે હોટલમાં કામ કરતો હોવાથી તે મંગળવારે સાંજે પાલનપુરથી વડગામ થઇ સુરત જતી બસમાં સુરત જવા માટે બેઠો હતો ત્યારે વારવાડિયાના ઈસમોએ ડાલવાણાના આ યુવકને બસમાંથી ઉતારી ધાકધમકીથી પૂછપરછ કરવા વડોદરા નજીક ઉતારી કેટલાક દેસાઈ સમાજના ઈસમોએ ઢોર મારમારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં નાસી ગયેલી યુવતી દેસાઈ સમાજની નહીં પણ દલિત સમાજનું હોવાનું માલૂમ પડતા આરોપીઓ ફરાર થઇ ગયા હતા. વડગામના ડાલવાણાના જે યુવકની હત્યા થઇ છે તેને માર મારતા ત્રણ ઇસમોનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેને આધારે પોલીસે ત્રણ દેસાઈ સમાજના ઈસમોની ધરપક્ડ કરી છે યુવકને માર મારતા આ વીડિયોમાં નયન રબારી, વિષ્ણુ રબારી, મુકેશ રબારી નજરે પડે છે. જેમને પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આ યુવકના હત્યાના ગુનામાં પોલીસે હાલ સુધીમાં ૧૪ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે હજુ પણ અન્ય કેટલાક ફરાર આરોપીઓ ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.