Ahmedabad

૧૧ સિંહોના મોત બાદ વધુ બે સિંહણના સારવાર વેળા મોત

અમદાવાદ,તા.ર૪
તાજેતરમાં ગીરના પૂર્વ ઘાટ વિસ્તારમાં દલખાણીયા રેન્જમાં ૬ સિંહબાળ સહિત કુલ ૧૧ સિંહોના મોત બાદ સમગ્ર વનવિભાગ હરકતમાં આવી ગયું છે. ત્યારે વનવિભાગે ગીરમાં શરૂ કરેલી ચકાસણી દરમ્યાન મળી આવેલી એક ચાર વર્ષની સિંહણ અને ૬ માસનું સિંહબાળ બંને બીમાર અવસ્થામાં મળી આવ્યા હતા. સારવાર દરમ્યાન જ બંને સિંહણનું મોત નીપજયું હોવાનો ખુલાસો વનવિભાગે કર્યો છે. ગીરમાં ૧૧ સિંહોના મોત બાદ વનવિભાગે શરૂ કરેલી કામગીરી અંગે ગુજરાત વન્યપ્રાણી વિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષકે જણાવ્યું હતું કે તાજેતરમાં ગીર પૂર્વ ધારી વિસ્તારમાં દલખાણીયા રેન્જમાં ૬ સિંહ બાળ સહિત કુલ ૧૧ સિંહના ઈન ફાઈટીગ, ઈન્ફેકશન તેમજ તેના થકી થયેલ ઈજાના કારણે મૃત્યુ બાબતે ગુજરાત વન વિભાગ દ્વારા સાવચેતીના પગલા રૂપે સઘન ચકાસણીની એક ઝુંબેશ તા.ર૩ -૯-ર૦૧૮થી દ્વારા ધરાવામાં આવી છે. હાલમાં કુલ ૬૪ ટીમો બનાવીને સમગ્ર ગીર વિસ્તારની ચકાસણી કરવાનું આયોજન હાથ ધર્યું છે. જેથી ચોકકસ અવલોકન કરી સ્વાસ્થ્ય તેમજ સિંહોની રોજિંદી જિંદગી બાબતે જાણકારી મેળવી શકાય અને જો કોઈ ઈજાગ્રસ્ત પ્રાણી દેખાય તો તેની સારવાર હાથ ધરી શકાય.
ત્યારે હાલમાં ગીર પૂર્વના દલખાણીયા રેન્જના વિસ્તારને પ્રાથમિકતા આપીને આઠ જેટલી ટીમો દ્વારા ૮૦૦૦ હેકટરથી વધારે વિસ્તારના અંતરિયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન એક ત્રણથી ચાર વર્ષની એક સિંહણ બીમાર અવસ્થામાં સ્ટાફ દ્વારા શોધી કાઢી તેને સારવાર અર્થે નિરીક્ષણમાં રાખવામાં આવી હતી. પરંતુ સારવાર આપતા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મળેલ જેના ઉપરથી જાણવા મળેલ કે આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં બીમાર હતી અને તેને સારવાર આપવામાં આવી હતી. સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટ મોર્ટમ તેમજ ઈન્ફેકશન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવી છે.
જે વિસ્તારમાં ૧૧ સિંહોના મૃત્યુ જોવા મળેલા એ વિસ્તારમાં ગઈકાલે સ્ટાફ દ્વારા પાંચથી છ માસનું સિંહ બાળ બીમાર અવસ્થામાં જોવામાં આવેલ જેને ગઈકાલે જસાધાર રેસ્કયુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવેલી પરંતુ આજે સવારે તેનું સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું છે. તેના પોસ્ટમોર્ટમ અને વિશેરાના ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવી રહેલ છે. કુદરતી રીતે સિંહ બાળમાં ૭૦થી ૭ર ટકા જેટલો મૃત્યુ દર જોવા મળે છે એટલે સિંહ બાળનું મૃત્યુ કોઈ અસામાન્ય બાબત નથી. ગુજરાત રાજયમાં છેલ્લા વસ્તી અંદાજ મુજબ પર૩ સિંહો નોંધાયેલા છે. સિંહની સરેરાશ આયુષ્ય ૧રથી ૧પ વર્ષહોય છે તેમજ દર વર્ષે આશરે ૧૦૦થી ૧૦પ સિંહોનું મૃત્યુ નોંધાવમાં આવે છે જે પૈકી ચોમાસાના ત્રિમાસ દરમ્યાન સામાન્ય કરતા આશરે ૧૦થી ૧પ ટકા વધારે મૃત્યુ જોવામાં આવે છે. ભેજ તેમજ જીવજંતુના ઉપદ્રવને કારણે ચોમાસાની ઋતુમાં સિંહોના મૃત્યુની વધારે શકયતાઓ રહે છે. છેલ્લા બે વર્ષમાં સરેરાશ ૩૧/૩ર સિંહો ચોમાસાની ઋતુના આ ત્રિમાસમાં મૃત્યુ થયેલા છે જો છેલ્લા બે વર્ષના આંકડા જોઈએ તો સરેરાશ આ સમયગાળામાં ૩ર જેટલા સિંહો મૃત્યુ પામેલ છે. જયારે ચાલુ વર્ષમાં કુલ ૩૧ જેટલા સિંહોના મૃત્યુ થયેલ છે જે અગાઉના બે વર્ષની આ ત્રિમાસિકની સરેરાશ સામે કુલ સરેરાશ સરખી છે. આવતીકાલે પુનમ હોય તેમજ અજવાળુ હોઈ સમગ્ર ગીર વિસ્તારમાં ચોસઠ ટીમો દ્વારા તમામ ચકાસણીની કામગીરી ખૂબ જ પૂરવેગે હાથ ધરવામાં આવશે અને એક અઠવાડિયા પહેલાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ સમય દરમ્યાન સ્વસ્થ જાનવરોનું અવલોકન તેમજ ઈજાગ્રસ્ત જાનવરોની સારવાર તેમજ અન્ય ચકાસણી હાથ ધરવામાં આવશે એમ ગુજરાત વન્ય પ્રાણી વિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષકે જણાવ્યું છે.