(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨
આણંદ જિલ્લાનાં ઉમરેઠ શહેરમાં નારાયણ જવેલર્સના નામે ૧પ૦ કરોડનું ફુલેકુ ફેરવી ફરાર થઈ ગયેલાં મુખ્ય સુત્રધાર અર્પીત ગાભાવાળાને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડયાં બાદ ગઈકાલે ઉમરેઠ પોલીસ મથકમાં લાવી તેની વીરૂદ્ધ વધુ એક ૧૯.ર૦ લાખની છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો. જયારે સ્ટેશન વીસ્તારમાં આવેલ અર્પીત ગાભાવાળાના બંગલા પર પોલીસ જાપ્તા હેઠળ અર્પીત ગાભાવાળાને ગતરાત્રીના ર વાગ્યાના સુમારે લઈ જવામાં આવ્યો હતો અને વહેલી સવારે છ વાગ્યા સુધી પોલીસે બંગલામાં સર્ચ ઓપરેશન કરી ઝીણવટ ભરી તપાસ કરી હતી. જેને લઈને લોકોમાં ભારે ઉત્તેજનાં જોવા મળતી હતી અને લોકોના ટોળેટોળા ઉમટી પડયાં હતાં. પોલીસે આજે વહેલી સવારે આરોપી અર્પીત ગાભાવાળાને ઉમરેઠ કોર્ટના ન્યાયધીશના રજુ કરી ૧૪ દીવસના રીમાન્ડની માંગણી કરી હતી. પરંતુ નામદાર કોર્ટે ૧૧ દીવસના રીમાન્ડ મંજુર કર્યાં હતાં. મળતી વીગતો અનુસાર ઉમરેઠ શહેરમાં નારાયણ જવેલર્સના નામે પેઢી ચલાવતાં અર્પીત દીપકકુમાર ગાભાવાળા, ગુંજનકુમાર દીપકકુમાર ગાભાવાળા, દીપકકુમાર ગોવીંદભાઈ ગાભાવાળા સહીતનાઓએ ૧પ૦ કરોડથી વધુનું ફુલેકુ ફેરવી પેઢીને તાળા મારી દીધાં હતાં. જે અંગે છેતરપીંડીની ફરીયાદ નોંધાતાં અર્પીત ગાભાવાળા અને તેનો પરીવાર ફરાર થઈ ગયો હતો જેમાં પોલીસે અગાઉ અર્પીતની પત્ની પીન્કી, ગુંજન ગાભાવાળા તેની પત્ની અને મેનેજર સહીત પાંચ જણને ઝડપી પાડયાં બાદ અર્પીત ગાભાવાળાને પણ ગઈકાલે મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડી તેને ઉમરેઠ લાવવામાં આવ્યો હતો અને પોલીસે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે બીજીતરફ ઉમરેઠ પોલીસે પ્રકાશકુમાર ડાહ્યાભાઈ પટેલની ફરીયાદના આધારે અર્પીત ગાભાવાળા સહીત ત્રણ જણાં વીરૂદ્ધ વધુ એક છેતરપીંડીની ફરીયાદ નોંધી છે. જેમાં પ્રકાશકુમાર પટેલના ભાઈ યોગેશકુમાર અમેરીકાથી નાણાં મોકલતા હોય પ્રકાશકુમારે આ નાણાં અર્પીત ગાભાવાળાની પેઢી નારાયણ જવેલર્સમાં જુદા જુદા સમયે જમા કરાવ્યાં હતાં. જેમાં પ્રકાશકુમારના ખાતામાં ૮,૮૩,૯૮૦ પ્રકાશના પિતા ડાહ્યાભાઈ સોમાભાઈ પટેલના ખાતામાં ૬૪૯પ૦ અને સ્વ.દાદી અંબાબેન સોમાભાઈના ખાતામાં ૯૩પ૦ રૂા. તેમજ અંજનાબેનના ૯,૬ર,૪૧૦ મળી ૧૯,ર૦,૬૯૦ રૂા. જમા હતાં. આ બનાવ અંગે પ્રકાશકુમાર ડાહ્યાભાઈ પટેલની ફરીયાદના આધારે ઉમરેઠ પોલીસે અર્પીત દીપકકુમાર ગાભાવાળા, ગુંજનકુમાર દીપકકુમાર ગાભાવાળા, દીપકકુમાર ગોવીંદભાઈ ગાભાવાળા સહીત ત્રણ જણાં વીરૂદ્ધ ઈપીકો કલમ ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.