
(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૪
પોલો મેદાન ખાતે એમ.એસ. યુનિ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે ટેબલેટ વિતરણના રાખવામાં આવેલા સમારંભમાં આયોજકોની ગેરવ્યવસ્થાને કારણે અફરાતફરી સર્જાતા ધકકામુકકી અને કોલાહલ વચ્ચે છ વિદ્યાર્થિનીઓ બેભાન બની હતી. વડાપ્રધાનના કટ આઉટ પડી જવાથી લોકો તેની ઉપર પગ મુકી દોડયા, પંખા ફંગોળાયા, ખુરશીઓનો કચ્ચરધાણ નીકળી ગયો. છેવટે ટેબલેટ વિતરણનો કાર્યક્રમ બંધ રાખવો પડયો સર્વત્ર આયોજકો ઉપર ટીકાની ઝંડીઓ વરસી રહી છે.
આજે રાજયના મુખ્યમંત્રી બે દિવસ વડોદરાની મુલાકાતે રોકાનાર છે. જેમાં તેઓ અનેક વિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે પોલો મેદાન ખાતે એમ.એસ. યુનિ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થિની રૂા.૧૦૦૦/-ના ટેબલેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. તેના માટે પોલો મેદાન ખાતે કરોડોના ખર્ચે ડોમ બાંધવામાં આવ્યો હતો. જે વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવાનું હતું. તેવા હજારો વિદ્યાર્થીઓને આજે સવારે ૯ વાગ્યે ડોમમાં આવી બેસી જવા સુચના આપવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓએ સમયસર સ્થાન લઈ લીધુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અન્ય કાર્યક્રમો પતાવી અંદાજે ૧ર-૩૦ વાગ્યાની આસપાસ પોલો મેદાન આવ્યા હતા. જયાં તેમણે ૧૦ વિદ્યાર્થીઓને ટેબલેટ આપી ચાલતી પકડી હતી. બાકીના વિદ્યાર્થીઓનો એમ.એસ. યુનિ.ના આયોજકોએ ટેબલેટ આપવાની શરૂઆત કરી હતી. વ્યવસ્થા અને કાર્યક્રમના અણધણ આયોજનને કારણે એકદમ ધસારો વધી ગયો હતો વિદ્યાર્થીઓએ પડાપડી કરી હતી. દોડધામ મચી જવાથી ખુરશીઓ તૂટી નરેન્દ્ર મોદીના કાટઆઉટ તૂટયા, લોકો કટઆઉટ માથે, પગ મુકીને ભાગ્યા, પંખા ચાલુ હાલતમાં નીચે પટકાયા ચાર જેટલા સ્ટોલ તૂટી ગયા સવારના નવ વાગ્યે આવી ગયેલા વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હતી.
આ બધી અફરાતફરી વચ્ચે આયોજકોએ ટેબલેટ વિતરણ મુલતવી રાખ્યું હતું જેમને ટેબલેટ નથી મળ્યા તેમને હવે ફેકલ્ટીમાંથી આપવામાં આવશે. ડોમમાં થયેલા ધસારાને કારણે જે છ વિદ્યાર્થિનીઓ બેભાન થઈ હતી તેમાં (૧) પ્રિયાકહાર (ર) હેમ શાહ (૩) પ્રિયલ પટેલ (૪) વિશ્વાની સોલંકી (પ) હેમાંગીની દેવી અને (૬) અંકિતા રાઠવાનો સમાવેશ થાય છે. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. રમેશ પટેલ નામના વિદ્યાર્થીએ કહ્યું હતું કે અમને ૯ વાગ્યે બોલાવી લેવાયા હતા. છતાં અમને ટેબલેટ મળ્યું નથી હવે ફેકલ્ટીમાંથી આપશે તેમ કહ્યું છે.આમ મોટે ઉપાડે યોજવામાં આવેલ ટેબલેટ વિતરણ કાર્યક્રમમાં અણધણ આયોજનને કારણે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.