(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૧૩
વાગરાના વિલાયત સ્થિત જીઆઈડીસીમાં આવેલ બિરલા ગ્રાસીમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં કાચામાલનું સપ્લાય કરવા માટે કંપની તરફથી કોન્ટ્રકટરો મારફતે માલ મંગાવવામાં આવે છે. જેનો કોન્ટ્રાકટ કંપનીએ સૌરાષ્ટ્રના એક ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરને આપી દેવામાં આવતા સ્થાનિક કોન્ટ્રાક્ટરો રોષે ભરાયા હતા. ભરૂચ જિલ્લાના સ્થાનિક કોન્ટ્રાક્ટરો અસંખ્ય ગાડીઓના કાફલા સાથે બિરલા ગ્રાસીમ કંપનીના કેમિકલ ડિવિઝન ખાતે ધસી ગયા હતા. જ્યાં તેઓની સાથે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપરાંત તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ આસ-પાસના અનેક ગામોના સરપંચો તથા રાજકીય આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો કોન્ટ્રાક્ટરો સાથે જોડાયા હતા. ગ્રાસીમ કંપની પર પહોંચ્યા બાદ ટ્રાન્સપોર્ટરોએ ભારે હોકારા-દેકારા સાથે હલ્લો મચાવી વિરોધ નોંધાવતા કંપની સંકુલમાં અફરા-તફરી મચી ગઈ હતી તો બીજી તરફ પરિસ્થિતિની ગંભિરતાને પારખી ગયેલા કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પોતાની ચેમ્બરમાં પુરાઈ જવાનું મુનાસીબ માન્યું હતું. કંપની એરિયામાં ભારે ધાંધલ-ધમાલ સર્જાતા કંપની સત્તાધિશોએ પોલીસને બોલાવી લેતા મામલો થાળે પડ્યો હતો. ઉક્ત ઘટના સંદર્ભે ગ્રાસીમ કંપનીના પ્રશાંત પાર્લીકરનો સંપર્ક સાધતા તેઓ પોતે આ બાબતથી અજાણ હોવાનો રાગ આલાપ્યો હતો. પરંતુ વાસ્તવમાં તેઓની હાજરીમાં જ સદર ઘટનાક્રમ સર્જાયો હોવા છતાં કંપનીનો લૂલો બચાવ કરવાના આશયથી તેઓએ અજાણતાનો ઢોંગ રચ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે. જ્યારે રજત ડેનો કોન્ટેક્ટ કરતા તેમણે કંપનીમાં રો-મટીરિયલનું સપ્લાય કરતા ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા વિવાદ સંદર્ભે બંને પક્ષકારો વચ્ચે ચર્ચા કરવાના આશયથી મીટિંગ માટે બોલાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે સ્થાનિક ટ્રાન્સપોર્ટ સંચાલક લાલભાઈ રાજે કહ્યું હતું કે, અમો કંપની આસ-પાસ વસતા સ્થાનિક લોકો છીએ જેથી અમોને રોજગારીમાં કંપનીએ પ્રાથમિકતા આપવી જોઇએ પરંતુ બિરલા ગ્રાસીમ કંપની દ્વારા અમોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોને બાજુ પર રાખી જિલ્લા તેમજ ગુજરાત બહારના લોકોને કોન્ટ્રાક્ટ આપી રોજગારી પૂરી પાડવાની કંપનીની પોલિસી સામે અમારો સખત વાંધો અને વિરોધ છે. કંપની દ્વારા આ રીતે જો અમોને રોજગારી આપવામાં ગળા-તલ્લા કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમારે નાછૂટકે ગ્રાસીમ કંપની વિરૂદ્ધ આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિલાયતની બિરલા ગ્રાસીમ કંપનીના પ્રદુષણ ઉપરાંત સ્થાનિક સિક્ષિત બેરોજગારોને નોકરીથી અલિપ્ત રાખવાની કંપનીની નીતિ-રીતિને કારણે કંપની આસ-પાસના અનેક ગામોમાં ગ્રાસીમ કંપની વિરૂદ્ધ વિરોધનો વંટોળ ઊભો થવા પામ્યો છે. જે આવનાર સમયમાં કંપનીને ભારે પડે તેવા એંધાણ હાલના તબક્કે વર્તાઈ રહ્યા છે.