(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
રાજ્યના આરટીઓ વિભાગ દ્વારા વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા માટે શામ, દામ અને દંડની નીતિ અપનાવી ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ભાજપ સરકારના વ્યાપક ખાયકી કરતાં આરટીઓ વિભાગની લૂંટ બંધ કરવા સંબંધિત કંપનીનો કોન્ટ્રાક્ટર રદ કરી સમગ્ર કૌભાંડની તપાસ કરાવવા સાથે આરટીઓ પ્રિમાઈસીસમાં જ ફિક્સ ચાર્જથી નંબર પ્લેટ લગાવવાની સુવિધા ઊભી કરવા કોંગ્રેસે માગ કરી છે. રાજ્યના આરટીઓ વિભાગે એક કંપની સાથે એચ.એસ.આર.પી. લગાવવા લાખો રૂપિયાના કરાર કરેલા છે. જેમાં આરટીઓ પ્રિમાઈસીસમાં જે ફોરવ્હીલર માટે રૂા.૪૦૦ તથા ટુવ્હીલર માટે રૂા.૧૪૦ના ફિક્સ ચાર્જથી એચએસઆરપી લગાવવાની હોય છે પરંતુ તાજેતરમાં જ આ કંપની તેમજ આરટીઓના કેટલાક ઉચ્ચ અધિકારીઓની મીલિભગતથી પરિપત્ર કરીને ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ શરૂ કરવામાં આવી છે. આરટીઓ વિભાગે નિયમ વિરૂદ્ધ પ્રિમાઈસીસના બદલે ડીલર્સને ત્યાં નંબર પ્લેટ લગાવવાની છુટ આપી ઘણા જોખમો પણ ઉભા કર્યા છે અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી નહીં કરનાર ડિલર્સના ટીસી નંબર રદ કરવાની ચેતવણી આપી પાસીંગ માટે પણ મુશ્કેલી ઊભી કરી છે. જ્યારે ડીલર્સ દ્વારા ફોર વ્હીલરમાં રૂા.૪૦૦ ઉપરાંત રૂા.૧પ૦, ટેક્સ તેમજ રૂા.પ૦૦થી ૧૦૦૦ સુધીનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. ટુ વ્હીલરમાં રૂા.૧૪૦ ઉપરાંત રૂા.૮૯, ટેક્સ અને રૂા.પ૦૦ સુધીના ચાર્જની વસૂલાત કરવામાં આવે છે. રાજ્યમાં દરરોજ પ૦ હજાર કરતાં વધારે વાહનોનું રજિસ્ટ્રેશન થતું હોવાથી ડીલર્સ ઉપરાંત ગ્રાહકોને તેનાથી ઉઘાડી લૂંટ સાથે ભારે પરેશાની વેઠવી પડી રહી છે. જેમાં ડીલર્સ જગ્યા, મશીન, મેઈન્ટેનન્સ, માણસોના પગારની જવાબાદરી હોવાનું જણાવી ગ્રાહકોને ખંખેરી રહ્યા છે તો આરટીઓ પ્રિમાઈસીસ બહાર થતી કામગીરીમાં ભ્રષ્ટાચારથી ચોરાયેલા કે ગુનામાં વપરાયેલા વાહનોમાં પણ નંબર પ્લેટના ડુપ્લિકેશન, ડબલીંગ વગેરેનો ભય રહેલો છે. આ પરિસ્થિતિમાં કંપનીએ નક્કી કરેલા રૂા.૪૦૦ સિવાય એક પણ રૂપિયો વધારે લેવો ના જોઈએ. ભાજપ સરકારે શરૂ કરેલી ઉઘાડી લૂંટ તાત્કાલિક બંધ કરાવી આ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ. જ્યારે સમગ્ર કૌભાંડની તપાસ કરાવી જવાબદારો સામે પગલા ભરવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.હિમાંશુ પટેલે માગણી કરી છે.