National

વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરૂણ શૌરીનો પીએમ પર પ્રહાર : ‘જૂઠ્ઠાણું એ મોદી સરકારની ઓળખ છે’

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
જાણીતા પત્રકાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ રવિવારે (ર૬ નવેમ્બર) આરોપ લગાવ્યો કે, જૂઠ્ઠાણું એ નરેન્દ્ર મોદી સરકારની ઓળખ છે અને તે નોકરીઓની નવી તકો ઊભી કરવામાં નિષ્ફળ રહી છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શૌરીએ દેશના લોકોને સરકારના કાર્યોને સૂક્ષ્મ રૂપે આંકવાનો આગ્રહ કર્યો. ‘ટાઈમ્સ લિટ ફેસ્ટ’માં ભાગ લેતા શૌરીએ કહ્યું કે, તેઓ ઘણા ઉદાહરણો આપી શકે છે, જેમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત આપીને સરકારે ફક્ત મુદ્રા યોજના દ્વારા સાડા પાંચ કરોડથી વધુ નોકરીઓની તકો ઊભી કરવાના આંકડા આપ્યા છે. પરંતુ આપણે તેના પર આશ્ચર્યચકિત થવાની જરૂર નથી….જૂઠ્ઠાણું એ આ સરકારની ઓળખ બની ચૂક્યું છે. આપણે એક વ્યક્તિ અથવા નેતા લાંબા સમયથી શું કરી રહ્યા છે, તેની તપાસ ના કરવી જોઈએ, પરંતુ તેના કામ પર બારીકાઈથી નજર રાખવી જોઈએ. મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, ગાંધીજી કહેતા હતા કે તે (વ્યક્તિ) શું કરી રહ્યો છે તે ના જુઓ, પરંતુ તેના ચારિત્ર્યને જુઓ અને તમે તેના ચારિત્ર્યમાંથી શું શીખી શકો છો. તેમણે કહ્યું, આપણે બે વખત (પૂર્વ વડાપ્રધાન) વી.પી.સિંહ તેમજ નરેન્દ્ર મોદીના કિસ્સામાં ચૂક કરી દીધી. તેઓ તે જ વાત કહે છે જે તે સમય માટે સુવિધાજનક હોય છે. શૌરીએ સરકાર દ્વારા શિયાળુ સત્ર ટૂંકુ કરવાની પણ સખત નિંદા કરી હતી.