National

વકફ બોર્ડના સભ્ય પદેથી મૌલાના ગુલામ મોહંમદ વસ્તાનવીને દૂર કરાયા

(એજન્સી) તા.૧૯
વકફની સંપત્તિઓમાં કથિત ગેરરીતિઓ આચરવા બદલ મૌલાના ગુલામ મોહંમદ વસ્તાનવીની વકફ બોર્ડના સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે, તેમના માટે આગામી બોર્ડની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુખ્ય સચિવ શ્યામ તાગડેએ ૧૬ ઓકટોબરે હસ્તાક્ષર કરેલા એક આદેશ મુજબ બાદશાહી મુલ્લા મસ્જિદ ટ્રસ્ટ કેસમાં મૌલાના દોષિત સાબિત થયા હતા. મૌલાના વસ્તાનવી વિરૂદ્ધ આ કાર્યવાહી ઓલ ઈન્ડિયા મુસ્લિમ ઓબીસી ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટના પ્રમુખ શબ્બીર અન્સારીની ફરિયાદના આધારે કરવામાં આવી હતી. ત્યારબાદ લઘુમતી કલ્યાણ વિભાગે આદેશો જાહેર કર્યા હતા. જેમાં તેમના આક્ષેપો સાચા નીકળ્યા હતા. ર૧ સપ્ટેમ્બરે મૌલાના વસ્તાનવીએ તેમના વિરૂદ્ધ થયેલ આક્ષેપોનો જવાબ આપ્યો હતો. મૌલાનાએ તેમના પર લાગેલા બધા જ આરોપો નકારી કહ્યું હતું કે, આ બંને જૂઠા કેસોમાં ફસાવવાનું ષડયંત્ર છે.