Ahmedabad

વળગણ દૂર કરવાના બહાને ભૂવાએ પરિણીતા સાથે કરી અશ્લીલ હરકત

અમદાવાદ,તા. ૧
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં વધુ એક ભૂવાએ પરિણિત મહિલાને તાવની બિમારી અને વળગણ ઉતારવાના બહાને નગ્ન કરી માનવતાને શર્મસાર કરી હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે, ઢોંગી ભૂવાએ પરિણિતાના પતિ, દિયર અને દેરાણીની હાજરીમાં પરિણિતાને નગ્ન કરી હતી. મેઘાણીનગર પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે આ પ્રકરણમાં પતિ, દિયર-દેરાણી અને પાડોશી મહિલાની અટકાયત કરી આરોપી ફરાર ભૂવા ચેેતનની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરનાં સરસપુર વિસ્તારમાં રહેતી એક પરિણિતા છેલ્લા ઘણા સમયથી બિમાર રહેતી હોવાથી તબીબી સારવારની સાથે સાથે બાધા, માનતા અને ભૂવાની પાસે જઇ આવી હતી. આશરે વીસેક દિવસ પહેલાં મેઘાણીનગર વિસ્તારમાં ચંદનનગર ખાતે રહેતા ચેતન ભૂવાને ત્યાં તેણીને તેના સાસરિયાવાળા લઇને ગયા હતા. ચેતન ભૂવાએ મહિલાએ તાવની બીમારી દૂર કરવા માટે વિધિ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં મહિલાને ૧૫ વર્ષ જૂનું કોઈ વળગણ હોવાથી તેને દૂર કરવા માટે પણ વિધિ કરવાનું કહ્યું હતું. આ ભૂવાએ વિધિના બહાને બિમાર મહિલાના કપડાં ઉતરાવી નાખ્યા હતા અને બાદમાં વિધિના બહાને ભૂવાએ મહિલા સાથે અનેક પ્રકારની અશ્લીલ હરકતો કરી હતી. ચેતન ભૂવાએ પરિણિતા પર પાણી છાંટીને લીંબુ અને દોરો આપ્યા હતા અને ૨૦ દિવસમાં સારૂ થઇ જશે એમ કહ્યું હતુ પરંતુ વીસ દિવસ વીતી ગયા છતાં સારૂ નહી થતાં પરિણિતાએ સમગ્ર મામલે મેઘાણીનગર પોલીસમથકમાં આરોપી ચેતન ભૂવા સહિતના આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.