Site icon Gujarat Today

ધો.૪ની વિદ્યાર્થિની સાથે શિક્ષકે છેડતી કરતાં વાલીએ હોબાળો મચાવ્યો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૦
ઉમરવાડા ટેનામેન્ટ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૧૯૦માં ધો.૪ની વિદ્યાર્થિની સાથે શિક્ષક દ્વારા શારીરિક છેડતી કરવાનો આક્ષેપ સાથે વાલીએ હોબાળો મચાવતા સલાબતપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉમરવાડા ટેનામેન્ટ ખાતે ઉર્દૂ કન્યા શાળા નં.૧૯૦ આવેલી છે. જ્યાં આજે બપોરના સુમારે વાલીઓનું ટોળું જમા થઈ ગયું હતું. જેમણે શિક્ષક જીતુ સામે વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાનો આક્ષેપ કરતા હતા. ધો.૪માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાનો શિક્ષક ટેરેસ ઉપર લઈ છેડતી કરી આ અંગે કોઈને કે માતાને જાણ કરી તો મારી મારીશ એવી ધાક ધમકી આપવામાં આવી હતી.
આ ઘટના શાળામાં વેકેશન પહેલાની છે. આજથી શાળા શરૂ થતા રાબેતા મુજબ આજે વિદ્યાર્થિનીએ શાળાએ જવાની હતી. ત્યારે તેણીએ માતાને વાત કરી હતી. માતાએ આજુબાજુના લોકો સાથે મળી શાળાએ પહોંચી શિક્ષક વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. આ બનાવ અંગે સલાબતપુરા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યાં તેમણે બંને પક્ષોની દલીલો સાંભળી કાર્યવાહી કરી છે. જે શિક્ષક ઉપર છેડતીનો આરોપ મૂકવામાં આવ્યો હતો તે પણ આ તબક્કે શાળામાં હાજર હતો. જો કે, આ મુદ્દે સમિતિ તંત્ર શુ કાર્યવાહી કરે છે તે જોવાનું રહે છે.

Exit mobile version