વલસાડ જિલ્લા મહિલા સશક્તિકરણ પખવાડિયાનો પ્રારંભ : રેલી નીકળી

વલસાડ, તા.૨
વલસાડ જિલ્લામાં તા.૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણ અન્વયે ડીએસપી કચેરીએથી રેલી યોજવામાં આવી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી મોંઘાભાઇ હોલ ખાતે પહોંચી હતી. આ પ્રસંગે મોંઘાભાઇ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ વહીવટીતંત્ર દ્વારા મહિલાઓની જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો થકી મહિલા જાગૃતિ આવી છે. રાજ્ય સરકાર મહિલાઓ વિવિધક્ષેત્રે અગ્રસ્થાને આવે તે માટે પ્રાધાન્ય આપે છે. તેમણે મહિલાઓ તેમની નિર્ણયાત્મક શક્તિ થકી પુરૂષાર્થ અને શિક્ષણ થકી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આજે દરેક ક્ષેત્રોમાં મહિલાઓ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કરી રહી છે અને મહિલાઓનું રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન બની રહેશે તેમ પણ ધારાસભ્યએ જણાવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક ઝાલા, કુંડલિયાએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં નારી સશક્તિકરણની સાથે મહિલા સુરક્ષા અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ પ્રસંગે સ્વરક્ષણ માટે કરાટેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દર્શનાબેન, પ્રાંત અધિકારી ભગોરા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી કટારિયા, મહિલા પોલીસકર્મીઓ, મહિલા હોમગાર્ડ, મહિલા સુરક્ષા સમિતિના સભ્ય ગીતાબેન સહિત વિવિધ શાળાના બાળકો, શિક્ષકો, નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજ પ્રિન્સે કર્યું હતું, જ્યારે આભારવિધિ પીએસઆઇ ગોહિલે કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks